- સુપ્રીમ કોર્ટે પહેલેથી જ નિર્દેશો આપ્યા છે કે એએસઆઈના સર્વેક્ષણમાં આ પ્રકારનું ખોદકામ ન કરવું જોઈએ
ઇન્દોર, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચ સોમવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે જેમાં રાજ્યના ધાર જિલ્લામાં ભોજશાળા મંદિર-કમલ મૌલા મસ્જિદ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે વધુ આઠ અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો હતો. હિંદુ પક્ષે દાવો કર્યો છે કે જો એએસઆઇને ધારની ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ સંકુલમાં ચાલી રહેલા સર્વેને પૂર્ણ કરવા માટે વધારાનો સમય મળે તો મહત્વના પુરાવાઓ બહાર આવી શકે છે જે આ વિવાદિત સ્મારકની વાસ્તવિક્તા છતી કરે છે.
એએસઆઈ, જે આ વિવાદિત મધ્યયુગીન સંકુલમાં એક મહિના કરતાં વધુ સમયથી સર્વે કરી રહ્યા છે, તેણે કવાયત પૂર્ણ કરવા માટે હાઈકોર્ટની ઈન્દોર બેંચ પાસે આઠ અઠવાડિયાના વિસ્તરણની માંગ કરી છે. આ સંદર્ભમાં દાખલ કરાયેલી અરજીમાં એએસઆઈએ જણાવ્યું હતું કે સંકુલના માળખાના ખુલ્લા ભાગોની પ્રકૃતિને સમજવા માટે હજુ થોડો સમય જોઈએ. આ અરજી પર સોમવારે એટલે કે આવતીકાલે સુનાવણી થઈ શકશે.
બીજી તરફ, મુસ્લિમ પક્ષે એએસઆઈ સર્વે દરમિયાન ભોજશાળા સંકુલના એક ભાગમાં ફ્લોર ખોદવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ સર્વેને કારણે આ સ્મારકના મૂળ માળખામાં કોઈ ફેરફાર ન થાય તેની ખાતરી કરવી જોઈએ. હિન્દુ સમુદાય ભોજનશાળાને વાગદેવી (દેવી સરસ્વતી)ના મંદિર તરીકે માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ આ ૧૧મી સદીના સ્મારકને કમલ મૌલા મસ્જિદ કહે છે. આ સંકુલને એએસઆઈ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે.
ભોજશાળા કેસમાં હિંદુ પક્ષ તરફથી ગોપાલ શર્માએ કહ્યું કે છેલ્લા છ સપ્તાહ દરમિયાન ભોજશાળા પરિસરમાં એએસઆઈ સર્વે માટે પાયો તૈયાર કરવામાં આવ્યો છે. જો એએસઆઈને ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર અને અન્ય સાધનોના ઉપયોગ દ્વારા સર્વે માટે વધારાનો સમય મળે, તો ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓ બહાર આવી શકે છે જે આ સંકુલની વાસ્તવિક્તા છતી કરે છે. ગોપાલ શર્મા ધારની સંસ્થા શ્રી મહારાજા ભોજ સેવા સંસ્થાન સમિતિના સચિવ છે. ભોજશાલા કેસમાં હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ નામના સંગઠન દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં તે પ્રતિવાદીઓમાં સામેલ છે. તેમણે દાવો કર્યો હતો કે ભોજશાળાની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવી તૂટેલી મૂર્તિઓ અને અન્ય અવશેષો હજુ પણ જોવા મળે છે જે ભૂતકાળમાં આ સંકુલ પર થયેલા હુમલાની વાર્તા કહે છે.
ધાર શહેર કાઝી વકાર સાદિકે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પહેલેથી જ નિર્દેશો આપ્યા છે કે એએસઆઈ સર્વેક્ષણમાં આ પ્રકારનું ખોદકામ ન કરવું જોઈએ, જેનાથી ભોજશાળા સંકુલનું મૂળ પાત્ર બદલાઈ જશે, પરંતુ તાજેતરમાં અમે જોયું કે આ સંકુલનો નાશ થઈ રહ્યો છે. દક્ષિણ ભાગમાં જમીન પર ત્રણ ફૂટના ખાડા ખોદવામાં આવ્યા હતા. સિટી કાઝીએ કહ્યું કે એએસઆઈએ સર્વે દરમિયાન એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી વિવાદિત કોમ્પ્લેક્સનું મૂળ પાત્ર બદલાઈ જાય. તેમણે કહ્યું કે એએસઆઈએ સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે આ સંકુલનો સર્વે કરવો જોઈએ. તેણે સુનિશ્ચિત કરવું જોઈએ કે આ કવાયત દરમિયાન સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નું પાલન કરવામાં આવે.
હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસની અરજી પર ૧૧ માર્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એએસઆઈને ૬ સપ્તાહની અંદર ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી એએસઆઈએ ૨૨ માર્ચથી આ વિવાદિત સંકુલનો સર્વે શરૂ કર્યો હતો, જે ચાલુ છે. ભોજશાળા અંગે વિવાદ શરૂ થયા બાદ એએસઆઈએ ૭ એપ્રિલ ૨૦૦૩ના રોજ આદેશ જારી કર્યો હતો. આ આદેશ અનુસાર, છેલ્લા ૨૧ વર્ષથી અમલમાં આવેલી પ્રણાલી મુજબ, હિંદુઓને દર મંગળવારે ભોજશાળામાં નમાઝ પઢવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે આ જગ્યાએ નમાઝ પઢવાની છૂટ છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે પોતાની અરજીમાં આ વ્યવસ્થાને પડકારી છે.