લોક્સભા ચૂંટણી વચ્ચે ભાજપના ૬ વખત સાંસદ રહી ચૂકેલા દિગ્ગજ નેતાનું નિધન

કર્ણાટકના ચામરાજનગરના ભાજપ સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરુની એક હોસ્પિટલમાં અચાનક નિધન થઈ જતાં ભાજપને મોટું નુક્સાન થયું. તેઓ ૭૬ વર્ષના હતા અને છેલ્લા ૪ દિવસથી આઈસીયુમાં દાખલ હતા.

માહિતી મુજબ શ્રીનિવાસ ઘણી બીમારીઓથી પીડિત હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું નિધન થયું હતું. તેમણે હાલમાં જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

તેઓ ૬ વખત ચામરાજનગરથી સાંસદ અને ૨ વખત ધારાસભ્ય રહ્યા હતા. શ્રીનિવાસે પોતાની રાજકીય કારકિર્દી ૧૯૭૬માં જનતા પાર્ટીથી શરૂ કરી હતી. આ પછી તેઓ ૧૯૭૯માં કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ જેડીએસ, જેડીયુ અને સમતા પાર્ટીમાં રહી ચૂક્યા હતા.

શ્રીનિવાસનો જન્મ ૬ જુલાઈ ૧૯૪૭ના રોજ અશોકપુરમ, મૈસૂરમાં થયો હતો. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રથમ ચૂંટણી લડ્યા હતા. બાળપણથી જ સંઘ અને એબીવીપીમાં સક્રિય હતા. તેમના જીવનકાળમાં કુલ ૧૪ ચૂંટણી લડ્યા હતા, જેમાંથી તેમણે ૮માં જીત મેળવી હતી. તેઓ ચામરાજનગરથી ૯ લોક્સભા ચૂંટણી લડ્યા હતા અને ૬ જીત્યા હતા. ભાજપના દિવંગત સાંસદ ૧૯૯૯માં તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. આ સિવાય તેઓ કર્ણાટકના મહેસૂલ મંત્રી પણ હતા.