ઈઝરાયલી મહિલા સામે હમાસના આતંકીએ મૂક્યો હતો લગ્નનો પ્રસ્તાવ, ૫૦ દિવસેે કેદથી આઝાદ થઈ

ગાઝા, અઢાર વર્ષની કુમળી વયની નોગા વીસ હમાસના આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં પચાસ દિવસ બાનમાં રહી હતી. પોતાના આઘાતજનક અનુભવનું વર્ણન કરતા તેણે ભયાનક વિગતો જાહેર કરી હતી. પોતાની કેદના ૧૪માં દિવસે અપહરણર્ક્તા પૈકી એક આતંકીએ તેની સમક્ષ વીંટી રજૂ કરીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તેણે નોગાને પોતાની સાથે ગાઝામાં રહીને પોતાના બાળકોને ઉછેરવા જણાવ્યું. અનિશ્ર્ચિત સંજોગો છતાં નોગાએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને હસતી હોવાનો ડોળ કરીને પોતાના જીવ સામેના જોખમને ટાળી દીધું હતું.

નોગા પરનો ત્રાસ બાનમાં રખાયા પહેલાથી જ તેના પરિવાર પર શરૂ થયો હતો. ૭ ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી નોગાના પિતા, ૫૬ વર્ષીય ઇલાન, તેમના વિસ્તાર, કિબુટ્ઝ બીરીમાં સવારે ૭:૧૫ વાગ્યે કટોકટી ટુકડીઓમાં જોડાવા માટે નીકળ્યા. જો કે તેઓ પાછા ન ફરી શક્યા. હુમલા દરમ્યાન તેમનું મોત થયું હતું અને તેમના મૃતદેહને ગાઝા લઈ જવાયો હતો.

દરમ્યાન નોગાની બહેનો મેટાલ અને માયાને પણ પોતાની રીતે ત્રાસ ભોગવવો પડયો હતો. તેમણે આતંકીઓથી બચવા અલગ બીરીમાં અલગ સ્થળોએ આશ્રય લેવો પડયો હતો. ઈઝરાયેલના સૈનિકોએ તેમને બચાવી તે પહેલા વોટ્સએપ દ્વારા સંપર્ક જ તેમની લાઈફલાઈન સાબિત થયો હતો.

જ્યારે હમાસના આતંકવાદીઓએ તેમના દરવાજા પર ગોળીબાર કર્યો, ત્યારે નોગાની માતા શિરીએ નોગાને પલંગની નીચે સંતાઈ જવા કહ્યું. આતંકીઓ ઘરમાં પ્રવેશ્યા અને શિરીને તેમની સાથે લઈ ગયા. બીજી તરફ ઘરમાં આગ લાગતા નોગાએ ઘરમાંથી બહાર નીકળી જવું પડયું અને તે આતંકીઓના હાથમાં સપડાઈ ગઈ.

નોગાએ આગળ જણાવ્યું કે લગભગ ૪૦ આતંકવાદીઓએ તેને કલાશ્ર્નિકોવ સાથે ઘેરી લીધી હતી. તેના હાથ પીઠ પાછળ બાંધી દેવાયા હતા. જેલવાસ દરમ્યાન તેને અલગ અલગ ઘરોમાં રાખવામાં આવી હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે તેને આતંકીઓનો હાથ પકડવાનું કહેવામાં આવતું જેથી લોકો વિચારે કે તે પરિણીત છે. ઉપરાંત તેને હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી.