મુંબઇ, દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે રમાયેલી આઈપીએલ મેચમાં ઈશાન કિશને ભૂલ કરી હતી. બીસીસીઆઈએ મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન સામે પણ કડક કાર્યવાહી કરી છે. ઈશાન કિશને દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન કંઈક એવું કર્યું, જેના પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને મોટી સજા ફટકારી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈશાન કિશન પર મેચ ફીના ૧૦ ટકાનો દંડ લગાવ્યો છે. શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ઈશાન કિશને આઇપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ઈશાન કિશને આઈપીએલ આચાર સંહિતાની કલમ ૨.૨ હેઠળ લેવલ ૧ નો ગુનો કર્યો છે.આઇપીએલએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, ’ઈશાન કિશનને આઇપીએલ આચાર સંહિતાની કલમ ૨.૨નું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ઈશાન કિશને આઈપીએલ આચાર સંહિતાની કલમ ૨.૨ હેઠળ લેવલ ૧નો ગુનો સ્વીકાર્યો છે.
અખબારી યાદી અનુસાર, આચાર સંહિતાના લેવલ ૧ના ઉલ્લંઘન માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનર્ક્તા છે.આઇપીએલ આચાર સંહિતાની કલમ ૨.૨ મેચ દરમિયાન ક્રિકેટના સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડ સાધનોના દુરુપયોગથી સંબંધિત છે. ઈશાન કિશને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. મેચની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર-મેકગર્કની ૨૭ બોલમાં ૮૪ રનની વિસ્ફોટક ઈનિંગના આધારે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સને ૧૦ રનથી હરાવ્યું અને પ્લેઓફની રેસ માટે પોતાનો દાવો મજબૂત કર્યો.