હિમાચલ અને ઉતરાખંડમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે: આઈઆઈટી કાનપુરના સંશોધનમાં મોટો ખુલાસો

નવીદિલ્હી,

તાજેતરમાં નેપાળ અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર સહિત ઉતર ભારતમાં તેની અસર જોવા મળી હતી. ભૂકંપના ઝટકાને લઈને આઈઆઈટી કાનપુરના રિસર્ચમાં મોટો ખુલાસો થયો છે. જે અનુસાર ભારતના હિમાલયન રાજયોમાં કયારેય પણ ભયાનક ભૂકંપ આવી શકે છે.

આ ભૂકંપ વર્ષ ૧૫૦૫ અને વર્ષ ૧૮૦૩માં આવેલા ભયાનક ભૂકંપ જેવા પણ હોઈ શકે છે. આઈઆઈટી કાનપુર સિવિલ એન્જીનીયરીંગ વિભાગના સિનીયર પ્રોફેસર અને જિયોસાયન્સ એન્જીનીયરીંગ વિભાગના વિશેષજ્ઞ પ્રો. જાવેદ એન. મલિક જણાવે છે કે ૨૦૧૫માં નેપાળમાં ૭.૮ થી ૮.૧ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૮ હજાર લોકોના મોત થયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર પુર્વી નેપાળ હતું તેથી ભારત પર તેની અસર નહોતી પડી, જો કે હિમાલય રેન્જમાં ટેકટોનીક પ્લેટ અસ્થિર થઈ ગઈ છે. જેના કારણે હવે લાંબા સમય સુધી આ પ્રકારના ભૂકંપ આવતા રહેશે. આ વખતે આવેલા ભૂકંપનું પણ આ મોટું કારણ છે.પ્રો. મલિકે જણાવ્યું હતું કે ભારતની હિમાલયન રેન્જમાં મોટા ભૂકંપની આશંકા છે. આ રેન્જમાં ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મોટો ભૂકંપ આવી શકે છે.

જેની તીવ્રતા ૭.૮ થી ૮.૫ વચ્ચેનો રહી શકે છે. આ મોટો ખતરો છે. તેની સામે આંખ આડા કાન ન કરી શકાય. ભારત ભૂકંપની સાયકલ ઝોનમાં પ્રવેશ કરી ચૂકયું છે એટલે કયારેય પણ ઉતરાખંડ અને હિમાચલમાં ભયાનક ભૂકંપના આંચકા આવી શકે છે. હિમાલય હજુ પુરી તરહ શાંત બેઠો છે. આ તોફાન પહેલાની શાંતિ છે. ઉતરાખંડ-હિમાલયમાં ભૂકંપની અસર પુરા દેશમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૫૦૫ અને વર્ષ ૧૮૦૬માં ઉતરાખંડમાં મોટા ભૂકંપ આવી ચૂકયા છે. જેમાં ઘણુ નુક્સાન થયું હતું. આ ભૂકંપના ઉલ્લેખ ઐતિહાસિક ગ્રંથ ’અકબરનામા’ અને ’બાબરનામા’માં પણ છે.