ગાંધીનગર, રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી સામે ભાજપ આક્રમક મોડમાં આવી છે. રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પર નિવેદન પર પ્રધાનમંત્રી મોદીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, શહેજાદાએ રાજા-મહારાજાઓનું અપમાન કર્યું છે. મુગલો પર બોલતા કેમ અચકાય છે રાહુલ? તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધીની વાતથી કોંગ્રેસની માનસિક્તા છતી થઈ છે. હડપ કરવાનું કામ કોંગ્રેસનું છે.
રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના રાજ રજવાડાઓ પરના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે રાજા-મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઈચ્છા પડે તે લઈ લેતા હતા. તેમને કોઈની જમીન જોઈએ તો પણ લઈ લેતા હતા. આ નિવેદનનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી સવાલ કર્યા છે. સંઘવીએ ટ્વીટમાં લખ્યું કે, કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું છે.
રાહુલ ગાંધી દ્વારા રાજા-મહારાજા પર નિવેદનનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો દાવો કરતા કહ્યું કે, રાહુલ ગાંધીનો વીડિયો એડિટ કરેલો છે. ભાજપની ટીમે તોડી-મરેડીને વીડિયો જાહેર કર્યો છે. હર્ષ સંઘવી લોકોનું યાન ભટકાવવા માંગે છે.
પીએમ મોદીએ આજે એક સભામાં રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના શહેઝાદા કહે છે કે ભારતના રાજા-મહારાજાઓ અત્યાચારી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિન્નમ્માનું અપમાન કર્યું છે. કોંગ્રેસ રાજકુમારનું નિવેદન મતબેંકની રાજનીતિ કરવા અને તુષ્ટિકરણ માટે જાણીજોઈને અપાયેલું નિવેદન છે.
રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભાજપના શાબ્દિક હુમલાનો શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ભાજપે બહેન-દિકરીઓનું અપમાન કર્યું છે. અહંકાર રાખીને ભાજપે ઉમેદવાર બદલ્યા નહીં. જે વાત ન થઈ હોય તેને વિકૃત્ત રીતે ભાજપ રજૂ કરે છે. સમાજ ભોળો છે, પરંતુ મૂર્ખ નથી.