પંજાબ: ફરીદકોટમાં ડેરા સચ્ચા સોદા પ્રેમી પ્રદીપ સિંહની ગોળી મારીને હત્યા

ચંદીગઢ,

પંજાબમાં અનાદર મામલે આરોપી ડેરા પ્રેમી પ્રદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આજે સવારે ફરીદકોટમાં પ્રદીપ સિંહ જ્યારે પોતાની દુકાન ખોલી રહ્યો હતો ત્યારે બે બાઈક પર સવાર ૫ લોકોએ તેની પર તાબડતોડ ફાયરીંગ કરી દીધુ. ગોળીઓ વાગવાથી પ્રદીપ સિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યુ. ફાયરીંગમાં તેના ગનમેન અને એક અન્ય દુકાનદારને પણ ગોળીઓ વાગી છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

પોલીસે કેસ નોંધીને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રદીપ સિંહની હત્યા કર્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી. સવારે રસ્તા ખાલી હોય છે અને આસપાસ લોકો પણ ઓછા હોય છે. તેથી આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે આ સમય પસંદ કર્યો. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫એ ગામ બુર્જ જવાહર સિંહના ગુરુદ્વારા સાહિબની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં શિખોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા અમુક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ ૧૨ ઓક્ટોબર ૨૦૧૫એ બરગાડીના ગુરુદ્વારા સાહિબની બહાર પાવન ગ્રંથના પાના વિખરાયેલા મળ્યા હતા. આ મામલે ડેરા પ્રેમીઓ પર અનાદરનો આરોપ લાગ્યો હતો.

ગુરુ ગ્રંથ સાહિબના આ અનાદર મામલે છ ડેરા પ્રેમીઓને મે ૨૦૨૧માં પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી હતી. બાદમાં પોલીસે કેસ બીજીવાર પોતાના હાથમાં લઈ લીધો હતો. પોલીસે આકરી કાર્યવાહી કરતા કોટકપુરાના રહેવાસી નિશાન સિંહ, રણજીત સિંહ અને પ્રદીપ સિંહ સિવાય ફરીદકોટના રહેવાસી બલજીત સિંહ અને શક્તિ સિંહ સહિત એક અન્ય આરોપી સુખવિંદર સિંહ સન્નીની ધરપકડ કરી હતી.