૧૧ દિવસમાં ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન

દહેરાદુન,ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે ૧૦મી મે ૨૦૨૪થી શરૂ થઈ રહી છે. જેના માટે પ્રવાસન વિભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ વર્ષે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રિકો નોંધણી કરાવી રહ્યા છે. ૧૫મી એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ ૨૫મી એપ્રિલ સુધીમાં કુલ ૧૫ લાખ ૧૨ હજાર ૯૯૩ ભક્તોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

જ્યારે ગત વર્ષે ૫૪.૮૨ લાખ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ પહોંચ્યા હતા. આ વખતે ચારધામ યાત્રામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. ચારધામ યાત્રા માટે દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોની સુવિધા માટે પ્રવાસન વિભાગે ૧૫ એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. પર્યટન વિભાગના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૧ દિવસમાં ૧૫ લાખ ૧૨ હજાર ૯૯૩ પ્રવાસીઓએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબની મુલાકાત લેવા માટે નોંધણી કરાવી છે.

જેમાં સૌથી વધુ ૫,૨૧,૦૫૨ તીર્થયાત્રીઓએ કેદારનાથ માટે, ૪,૩૬,૬૮૮ બદ્રીનાથ ધામ માટે, ૨,૭૭,૯૦૧ ગંગોત્રી ધામ માટે, ૨,૫૩,૮૮૩ યમુનોત્રી ધામ માટે જ્યારે ૨૩,૪૬૯ તીર્થયાત્રીઓએ હેમકુંડ સાહિબ માટે નોંધણી કરાવી છે. સરકારને આશા છે કે આ વખતે પણ ચારધામ યાત્રાએ આવનાર શ્રદ્ધાળુઓ નવો રેકોર્ડ સર્જશે. ચારધામ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ ખૂબ જ સતર્ક રહે છે . આ માટે રજીસ્ટ્રેશન કરાવનાર ભક્તોની હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. જો તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ હોય અથવા ચઢી ન શક્તા હોય તો આવા લોકોની અરજીઓ ફગાવી દેવામાં આવે છે.

બદ્રીનાથ, ગંગોત્રી, કેદારનાથ સહિત ચાર ધામ યાત્રા પર આવતા ભક્તો પ્રવાસન વિભાગની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે, ભક્તો મોબાઈલ એપ ટુરિસ્ટકેર્યુટારાખંડ દ્વારા પણ નોંધણી કરાવી શકે છે. આ સિવાય રજીસ્ટ્રેશન માટેનો બીજો વિકલ્પ વોટ્સએપ નંબર ૮૩૯૪૮૩૩૮૩૩ પર કરીને રજીસ્ટ્રેશન કરી શકાય છે. ટોલ ફ્રી નંબર ૦૧૩૫૧૩૬૪ પર રજીસ્ટ્રેશનની સુવિધા પણ આપવામાં આવી છે.