આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ “વોટ ફોર ઈન્ડિયાના ” સ્લોગનની બનાવી રંગોળી

દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં દરેક નાગરિક જોડાય તે માટે દાહોદ જીલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ વિશ્રામગૃહ, તાલુકા પંચાયત કચેરી અને ઈજનેરી કોલેજ ખાતે “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

બહેનો દ્વારા બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

મદદનીશ ચૂંટણી અધિકારી નીલાંજસા રાજપૂતની સૂચના મુજબ શિક્ષિકા બહેનો તેમજ આંગણવાડી બહેનો દ્વારા રંગોળી વડે વિવિધ સંદેશ આપતા સૂત્રો જેવાકે, મતદાન એ આપણો અધિકાર છે, વોટ ફોર ઈન્ડિયા, વોટ ફોર સ્યોર સહિત વિવિધ રંગોળી દોરી ને મતદાન વધુમાં વધુ થાય એવા સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યકમ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મામલતદાર મનોજ મિશ્રા, નાયબ મામલતદાર ફિરદોશ, નાયબ મામલતદાર રવીન્દ્ર, સહિત શિક્ષિકા બહેનો, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.