શહેરા, શહેરાના સલામપુરા ગામ પાસે છકડો પલટી ખાઇ જતા એક બાળકી સહિત બે ના મોત થવા સાથે અન્ય મુસાફરોને નાની મોટી ઇજા થઈ હતી. પોલીસ મથક ખાતે છકડાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી હતી.
શહેરા થી નાંદરવા તરફ જવાના માર્ગ ઉપર સલામપુરા ગામ પાસે છકડો પલટી ખાઈ જતા અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થવા પામી હતી. આ બનેલા અકસ્માતને લઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ મદદે દોડી આવીને પલટી ખાઈ ગયેલ છકડા માંથી ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલ મુસાફરોને 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સાત મહિનાની બાળકી રાધા નાયક અને 70વર્ષીય સુખીબેન નાયક ને શરીરે નાની મોટી ઈજા થવાથી મોત નીપજ્યુ હતું. બનેલા બનાવને લઈને પોલીસ ઘટના સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારમાં બસોની અવરજવર ઓછી હોવાથી લોકો ના છૂટકે છકડા સહિતના ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરતા હોય ત્યારે એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બસોની સુવિધા વધારવામાં આવે તે પણ જરૂરી છે.પોલીસ તંત્ર દ્વારા પણ પોતાની નૈતિક ફરજ સમજીને ખાનગી વાહનોનો ઝમેલો બસ સ્ટેન્ડ પાસે તેમજ અન્ય વિસ્તારમાં જોવા મળતો હોય ત્યારે આ સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એ તો જોવું જ બની રહયું છે.