લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલાના મુખ્ય આરોપીનું પાકિસ્તાન સાથે જોડાણ

લંડન, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મોટી સફળતા મળી છે. એજન્સીએ ગયા વર્ષે ૨૨ માર્ચે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા સાથે સંબંધિત કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. હવે આ મામલે નવી માહિતી સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું પાકિસ્તાન સાથે કનેક્શન પણ સામે આવ્યું છે.

તપાસ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટનના હાઉન્સલોના રહેવાસી ઈન્દરપાલ સિંહ ગાબાની ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અત્યાર સુધીની એનઆઇએની તપાસમાં ખુલાસો થયો છે કે લંડનમાં ગયા વર્ષે ૧૯ અને ૨૨ માર્ચે બનેલી ઘટનાઓ ભારતીય મિશન અને તેના અધિકારીઓ પર હુમલાના મોટા કાવતરાનો ભાગ હતી.

ખાલિસ્તાન તરફી દેખાવકારોએ લંડનમાં ભારતીય મિશનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯ માર્ચે હાઈ કમિશન પરિસરની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા. ૨૨ માર્ચે ગાબાએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારતીય રાષ્ટ્રવજનું અપમાન કર્યું હતું. ગયા વર્ષે માર્ચમાં થયેલા હિંસક વિરોધને બ્રિટિશ સંસદમાં વારંવાર ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારથી મેટ્રોપોલિટન પોલીસ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર સુરક્ષા પૂરી પાડી રહી છે. આ ઘટનામાં અનેક શકમંદોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં ૩૧ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.

હવે આ મામલે નવી માહિતી સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈન્દરપાલ સિંહ ગાબા સહિત ઘણા શંકાસ્પદો વિરુદ્ધ એલઓસી જારી કરવામાં આવ્યું હતું. ગાબાને ગયા વર્ષે ૯ ડિસેમ્બરના રોજ અટારી બોર્ડર પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો જ્યારે તે પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ કરી રહ્યો હતો. ત્યારબાદ તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરીને તેની તપાસ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ગાબાએ પોતાને ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેનું મોડલ બનાવ્યું હતું. હાલમાં ’વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ ઈન્દરપાલ સિંહ ગાબા તેના નવ સહયોગીઓ સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે.એનઆઇએએ ગયા વર્ષે જૂનમાં પાંચ વીડિયો જાહેર કર્યા હતા અને હિંસક વિરોધમાં સામેલ લોકોની ઓળખ કરવામાં સામાન્ય લોકોની મદદ માંગી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ એનઆઇએની એક ટીમ આ કેસની માહિતી એકત્ર કરવા લંડનની મુલાકાત લીધી હતી અને સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ સાથે વાત કરી હતી. એજન્સીએ ગયા વર્ષે એપ્રિલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તપાસ હાથ ધરી હતી, જેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને જાહેર સંપત્તિને નુક્સાન અટકાવવાના કાયદા હેઠળ કેસ નોંયો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે. બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ ટુગેનહોટે આ ઘટના અંગે ગૃહમાં કહ્યું હતું કે ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવી છે.