નવીદિલ્હી,
બોલિવૂડ કલાકારો હોય કે પછી ક્રિકેટરો હોય એ વાતનો ઈનકાર કોઈ જ ન કરી શકે કે તેમની કમાણીનો મુખ્ય હોત ફી નહીં બલ્કે જાહેરાતો જ હોય છે. નાનામાં નાનીથી લઈને દિગ્ગજ ગણાતી કંપનીઓ પોતાની પ્રોડક્ટ લોકો સુધી પહોંચે તે માટે એન્ડોર્સમેન્ટ મતલબ કે જાહેરાતો માટે ક્રિકેટરો અને બોલિવૂડ સીતારાઓને મોઢે માંગ્યા રૂપિયા ચૂકવવા તૈયાર હોય છે. પાછલા થોડા વર્ષોમાં અનેક કલાકારો અને ક્રિકેટરો જાહેરાતો થકી કરોડપતિ નહીં બલ્કે અબજોપતિ બની ગયાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે.
જો કે કરોડો રૂપિયા કમાતાં આ લોકો ટેક્સ ભરવાની વાત આવે ત્યારે ગલ્લા તલ્લા કરવા લાગતાં હોવાનું યાન પર આવતાંની સાથે જ ટેક્સ વિભાગે તેમની સામે લાલ આંખ કરીને હવે રડાર ઉપર લઈ લીધા છે. આવા જ બોલિવૂડના ત્રણ સીતારાઓને રડારમાં લીધા છે જેમણે જાહેરાતો થકી કમાણી તો કરી લીધી છે પરંતુ ટેક્સ ચૂકવ્યો નથી.
સામાન્ય રીતે કોઈ બ્રાન્ડનો પ્રચાર કલાકાર કે ક્રિકેટર દ્વારા કરવામાં આવે ત્યારે તેને ચૂકવવામાં આવતી રકમના ૧૮% જીએસટી ભરવાનો હોય છે પરંતુ બોલિવૂડના આ ત્રણ કલાકારોએ એક રૂપિયાના ટેક્સની પણ ભરપાઈ કરી ન હોવાથું યાન પર આવતાં ટેક્સ વિભાગે તેમનો આગલો-પાછલો હિસાબ કાઢ્યો છે અને અત્યારે તેનું સ્કેનિંગ ચાલી રહ્યું છે. આ મામલે સંપૂર્ણ રીતે ખરાઈ કર્યા બાદ બોલિવૂડના ત્રણેય સીતારા ઉપર તવાઈ ઉતરવાનું નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે.
અત્યારે આ ત્રણેય સીતારાઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ ટૂંક સમયમાં જ તેનું નામ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં અત્યારે દરેક કલાકારો એવા છે જેઓ નાની-મોટી જાહેરાતો થકી મબલખ કમાણી કરી રહ્યા છે પરંતુ ટેક્સની ભરપાઈ કરવામાં તેમને પેટમાં ચૂક ઉપડતી હોય તેવી રીતે ગમે તેમ કરીને આ ટેક્સ ભરવો ન પડે તે માટે છટકબારી પણ શોધી લેતાં હોય છે. જો કે ટેક્સ ડિપાર્ટમેન્ટ આ પ્રકારની તમામ છટકબારી બંધ કરી કલાકારોને ટેક્સ મામલે સાણસામાં લેવા તૈયારી કરી ચૂક્યું છે.