મતદાન કરવામાં મહિલાઓ રહેશે અગ્રેસર: લીમખેડા તાલુકાના દુધિયા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આઇસીડીએસ ઘટક દ્વારા બહેનોએ માટલી લઇ ગરબા કરી સંદેશ આપ્યો.

  • મહિલાઓ પોતાના પરિવારના દરેક મતદારને મતદાન માટે જાગૃત કરી મત આપશે.

દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદ જીલ્લામાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે. આ મતદાનમાં મહત્તમ મતદારો સહભાગી બને તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ રહી છે.

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ ખાતે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આઇસીડીએસની બહેનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત આઈસીડીએસની બહેનોએ તેમજ કિશોરીઓએ માટીની માટલી પર મતદાન જાગૃતિ દર્શાવતા સંદેશા લખી મતદાન જાગૃતિ ગરબા કરવામાં આવ્યા હતા. જેમ સ્ત્રીઓના કપાળે બિંદી શોભે એમ મતદાન કરવા માટે કરાયેલ શાહીથી લોકશાહીના આ પર્વની સાથોસાથ આંગળીની પણ શોભા વધી જશે. મતદાનના વિવિધ મહત્વના સંદેશા આપતાં બેનર્સ, પોસ્ટર્સ તેમજ માટલી પર સંદેશા લખી આ બહેનો તેમજ કિશોરીઓએ મતદારોને મતદાન અચૂક કરવા માટેની હાકલ કરી શપથ લીધા હતા.

આ ચૂંટણીમાં મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના માધ્યમથી મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રેરિત કરવા મતદાન જાગૃતિના સંદેશા પહોંચાડવામાં આવી રહ્યા છે.