નડિયાદ ખાતે મૂક બધિર વિદ્યાલયમાં દિવ્યાંગજનો માટે ખાસ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • દિવ્યાંગ મતદારો માટેની ખાસ સુવિધાઓ તથા સક્ષમ એપ અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા.

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણીના દેશના પર્વમાં 17-ખેડા લોકસભા મતવિસ્તારમાંથી કોઈ પણ મતદાર મતદાન કરવાથી બાકાત ન રહે તેના માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે નડિયાદ વિધાનસભા મતવિસ્તારના નડિયાદ ખાતે મૂક બધિર વિદ્યાલયમાં દિવ્યાંગજનો માટે ખાસ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ મતદાર નોડલ અધિકારી આ. ડી. પટેલ દ્વારા દિવ્યાંગ મતદારો માટેની ખાસ સુવિધાઓ અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ મતદારોના પ્રશ્ર્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. સાથેસાથે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે બનાવવામાં આવેલ ખાસ એપ – સક્ષમ એપ્લિકેશનની માહિતી અને તેનો ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સ્થાનિક દિવ્યાંગ સંસ્થાઓ, હેન્ડિકેપ સોસાયટીના પ્રતિનિધિઓ સહિત નડિયાદ વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ મતદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ દિવ્યાંગ મતદાર નોડલ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.