સંજેલી પંચાયતના સફાઈ કર્મીઓ હડતાળ પર જતા ગંદકીનુ સામ્રાજય

સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો છે. પંચાયતની આર્થિક સ્થિત કથળતા વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા એક વર્ષથી પગાર નહિ ચુકવતા તા.1લી માર્ચની 12 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

સંજેલી પંચાયતના સફાઈ કર્મચારીઓને પણ છેલ્લા ચાર માસથી પગાર નહિ ચુકવાયો હોવાથી 33 સફાઈ કામદારોએ પણ કામગીરી બંધ કરી દીધી હોય નગરમાં ઠેર ઠેર કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરના મેઈન બજાર, ઝાલોદ રોડ, મસ્જિદ ફળિયા, ડિસ્લેરી ફળિયા, માંડલી રોડ જેવા ફળિયાઓમાં સફાઈ કામગીરી નહિ થતાં રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. હાલમાં ભર ઉનાળે કેટલાક ફળિયામાં નળમાં પાણી નહિ આવતા રહિશોની હાલત કફોડી બની છે.નગરના સંતરામપુર રોડ પર ગલીમાં શારદા હોસ્પિટલ પાસે છેલ્લા કેટલાય સમયથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયુ છે. જેનુ કોઈ રિપેરીંગ કામ કરાયુ નથી. જેના કારણે આ વિસ્તારના રહિશોના ધરોમાં પીવાનુ પાણી પહોંચતુ નથી.જેને લઈને રહિશોને પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે. પંચાયતના ખાડે ગયેલા વહીવટના વિરોધમાં નગરજનો રેલી કાઢીને દેખાવો કરવાનુ આયોજન કરી રહ્યા છે.