બિહારના પટણા રેલવે સ્ટેશન પાસેની હોટલમાં ભીષણ આગથી ૬થી વધારે ભડથું

  • નીચે પાર્કિંગમાં પડેલી ૬ ગાડીઓ પણ સળગીને ખાખ થઈ ગઈ હતી.

પટણા, બિહારના પટણા રેલવે સ્ટેશન પાસે આવેલી પાલ હોટલમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પાલ હોટલમાં લાગેલી આજુબાજુની હોટલોમાં પણ ફેલાઈ હતી અને ત્યાં પણ બધુ ખાખ કરી નાખ્યું હતું. આગ એટલી ભીષણ હતી કે નીચે પાકગમાં પડેલી ૬ ગાડીઓ પણ સળગીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગ્યાંના અડધા કલાકમાં તો આખી બિલ્ડિંગ ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. આજુબાજુમાં ઘણી હોટલો આવેલી છે ત્યાં પણ આગ ફેલાતાં ભારે અફરાતફરી મચી હતી. આગના સમયે હોટલમાં ઘણા લોકો હતા તેમને તાબડતોબ બહાર કાઢી લેવામાં આવ્યાં હતા.

માહિતી મળતા જ ફાયરના અનેક ટેન્ડરો થોડીવારમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવામાં લાગી ગયા હતા. ૫૧ ફાયર ટેન્ડરની મદદથી બે કલાકની મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો. હોટલ અને નજીકની ઇમારતમાંથી ૪૫ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આગ દિવસે ૧૧ વાગે લાગી હતી. ગેસ સિલિન્ડરમાંથી લાગેલી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. હોટેલિયર્સે અગ્નિશામકોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આગ આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી અને નજીકની ઇમારતોને પણ ઘેરી લીધી હતી. પાલ હોટલ ઉપરાંત પંજાબી નવાબી, બલવીર સાઇકલ સ્ટોરમાં પણ આગ લાગી હતી. જાણકારી અનુસાર હોટલ અને નજીકની ઈમારતોમાં આગ લાગવાના કારણે ડઝનેક લોકો ફસાઈ ગયા હતા. તેમને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન લોકોને ઉપરના માળે ખસેડવામાં સફળ રહી હતી. પટના પોલીસની ટીમે ફાયર બ્રિગેડ સાથે મળીને આગને બુઝાવવા અને તેને બચાવવા માટે સખત મહેનત કરી હતી. પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે હોટલ પાલ પાસે આવેલા ઘરો પર ચડીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઘટનાને નજરે જોનાર સ્ટાફના સભ્ય રંજને કહ્યું કે હોટલમાં આગ ગેસ સિલિન્ડરથી લાગી હતી. ચાઉમિંગ અને અન્ય ફાસ્ટ ફૂડ બનાવવા માટે બાટલો બદલવામાં આવ્યો હતો જે લીક થતો હતો ત્યારે તેમાં પહેલાથી સળગી રહેલા ગેસમાં પણ આગ લાગી હતી. તે પછી સ્ટાફે ત્રણ કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો તેમ છતાં પણ આગ ઓલવાઈ નહોતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકો જોરજોરથી અવાજ કરતા દોડી આવ્યા હતા. હોટલમાં ૧૦ થી ૧૨ બાટલા પણ પડ્યાં હતા તેમાં પણ આગ લાગી હતી.