પાવાગઢ રોપ-વેનુ સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચેકિંગ કરાતા રોપ-વે બંધ : યાત્રિકોની લાંબી કતારો


હાલોલ,
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા રોપ-વેનુ પણ રાજય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રોજ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઈન્સ્પેકશન દરમિયાન રોપ-વે બંધ રહેતા યાત્રાળુઓની રોપ-વે બહાર લાંબી લાંબી કતારો જોવા મળતી હતી.

પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં આવતા ભાવિ ભકતોને ડુંગર પર લાવવા લઈ જવાની કામગીરી રોપ-વે કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી ખાતે થયેલ દુર્ધટનના પગલે રોપ-વે કે આવી અન્ય કોઈપણ જગ્યાએ ભારે ભીડ થતી હોય છે જેના સંદર્ભે આની ફિટનેસ તેમજ તેની મજબુતાઈની ચોકસાઈ ચકાસવા માટે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. પાવાગઢ ખાતે આવેલ રોપ-વેમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાંત ઈન્સ્પેકટર દ્વારા રોપ-વે બંધ અવસ્થામાં તેમજ ચાલુ અવસ્થામાં રાખીને સંપુર્ણપણે નિષ્ણાંતો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેનો આશય યાત્રાળુઓની સુરક્ષા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જો કે, આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આ પ્રકારનુ રોપ-વે નુ ચેકિંગ વર્ષમાં એકવાર માર્ચ મહિનાથી આજુબાજુ થતુ હોય છે. પરંતુ મોરબીની ધટના બાદ તંત્ર નાગરિકોની સુરક્ષાને ઘ્યાનમાં લઈ તાબડતોડ દરેક જગ્યાએ આ પ્રકારના ચેકિંગો હાથ ધરવામાં આવ્યા હોવાનુ જાણવા મળે છે.