
અમદાવાદ, વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બે બેગ ભરેલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બિનવારસી બેગ અંગેની તપાસ કરતા ગાંજો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. વેસ્ટર્ન રેલવે એસઓજી દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુનાખોરી ડામવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. આ કાર્યવાહી વર્ષભર ચાલરતી રહે છે. તેવામાં આજે સવારે વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી બેગ ઝડપી પાડવામાં આવી છે. જેની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા તેમાંથી બેગ ભરેલો ગાંજો મળી આવ્યો છે. આ ગાંજો પેકીંગ કરીને બે બેગોમાં મુકવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ગાંજાનો જથ્થો ભરેલી બેગ કાશીપુરા રેલવે સ્ટેશનથી જનરસ કોચમાં મુકવામાં આવી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.
વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ જથ્થો જપ્ત કરીને ક્યાંથી ક્યાં લઇ જવાનો હતો, આ પાછળ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે, સહિતના કોયડા ઉકેલવા માટે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલે એનડીપીએસ અંતર્ગત વડોદરા ખાતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે. હવે આ મામલે કેટલા સમયમાં વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જવાબદારો સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લોક્સભાની ચૂંટણીને લઇને દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે. દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અને વિવિધ બ્રાન્ચો સતર્ક રહીને કામગીરી કરી રહી છે. જેને લઇને ખોટું કરનારાઓના મનસુબા પાર પડી નથી રહ્યા, અને તેમનામાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.