કોંગ્રેસના મેનિફેસ્ટોથી ડરીને ભાજપે જુઠ્ઠાણાંનો આશરો લીધો, ચિદમ્બરમ

નવીદિલ્હી,કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે મિલક્તની વહેંચણી અને વારસાગત કરને લઈને જે વિવાદ સર્જાઈ રહ્યો છે તે દર્શાવે છે કે ભાજપ કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી ડરી ગઈ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદીની ગેરંટીનો ક્યાંય પત્તો નથી અને ભાજપે જુઠ્ઠુ બોલવા, વિકૃત નિવેદનો અને અપશબ્દોનો આશરો લીધો છે. પી ચિદમ્બરમ કોંગ્રેસનો ઢંઢેરો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ હતા.

પી. ચિદમ્બરમે એક નિવેદનમાં કહ્યું કે ’તે સ્પષ્ટ છે કે ભાજપ કોંગ્રેસના ઢંઢેરામાં નારાજ છે. કોંગ્રેસના ઢંઢેરાની અસર લોકોની વિચારસરણી પર અને ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબો પર પડી છે. તેમણે કહ્યું કે ’કોંગ્રેસનો ઢંઢેરો દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, યુવાનો અને મહિલાઓમાં નવી આશા જગાડી રહ્યો છે.’ ચિદમ્બરમે કહ્યું હતું કે ’સંપત્તિ વિતરણ અને વારસાગત કરને લઈને તાજેતરનો વિવાદ દર્શાવે છે કે ભાજપ ભયમાં છે. જાહેરનામામાં કથિત મિલક્તના વિતરણ અને વારસાઈ કરનો કોઈ ઉલ્લેખ નથી. હું લોકોને કહેવા માંગુ છું કે કોંગ્રેસ સરકારે ૧૯૮૫માં જ એસ્ટેટ ડ્યુટીની જોગવાઈ નાબૂદ કરી હતી. વર્ષ ૨૦૧૫માં ભાજપ સરકાર દ્વારા મિલક્ત પર ટેક્સની જોગવાઈ નાબૂદ કરવામાં આવી હતી. કોંગ્રેસનો ઢંઢેરો ત્રણ જાદુઈ શબ્દો પર આધારિત છે – કામ, મિલક્ત અને જળ કલ્યાણ.

ચિદમ્બરમે કહ્યું કે ’કામનો અર્થ એ છે કે આપણે કરોડો લોકો માટે નોકરીઓનું સર્જન કરીશું. સંપત્તિનો અર્થ એ છે કે અમે એવી નીતિઓ બનાવીશું જેનાથી સંપત્તિમાં વધારો થશે અને દેશની જીડીપીનો ઝડપથી વિકાસ થશે. જન કલ્યાણ એટલે ગરીબ અને મયમ વર્ગની આવકમાં વધારો થાય. પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું કે, ’કોંગ્રેસના મેનિફેસ્ટોની ચર્ચા થઈ રહી છે, લોકો તેના વિશે વાત કરી રહ્યા છે. કમનસીબે મોદીને ભાજપની ગેરંટીનો કોઈ પત્તો નથી. ભાજપે ખોટા નિવેદનો, જુઠ્ઠાણા અને અપશબ્દોનો આશરો લીધો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકો જોઈ રહ્યા છે કે ભાજપ કેવી રીતે ખતરનાક અને વિભાજનની રમત રમી રહ્યું છે અને એક એવી સરકારને ચૂંટશે જે વિકાસ, સમાનતા અને ન્યાયનો યુગ લાવશે. જેમ કે કોંગ્રેસે ૧૯૯૧ અને ૨૦૦૪માં કર્યું હતું. ચિદમ્બરમનું આ નિવેદન પીએમ મોદીએ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના વારસાગત કર પરના નિવેદન પર પ્રહાર કર્યા બાદ આવ્યું છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે જો કોંગ્રેસની સરકાર બનશે તો લોકોની સંપત્તિ છીનવી લેવામાં આવશે. વિવાદ વધતાં કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી દૂરી લીધી છે. કોંગ્રેસે કહ્યું છે કે તેમના ચૂંટણી ઢંઢેરામાં એવું કંઈ નથી.