એ સારું થયું કે પતંજલિ આયુર્વદની ભ્રામક જાહેરાતોના કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જ્યાં બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણના વકીલને થોડા વધુ સવાલ પૂછ્યા, એ જ રીતે સુપ્રીમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઇએમએને પણ પ્રશ્ર્ન કરવાનું જરૂરી માન્યું. જોકે આઇએમએ તેનો કોઈ સંતોષજનક જવાબ કદાચ જ આપી શકે! ખબર નહીં આઇએમએ એ સવાલનો શો જવાબ આપશે કે એલોપેથ ડોક્ટરો બિનજરૂરી અને મોંઘી દવાઓ લખવાની સાથે જ કેટલીક ખાસ દવાઓની ભલામણ કેમ કરે છે, પરંતુ એ કોઈથી છૂપું નથી કે એલોપેથ ચિકિત્સા ક્ષેત્રમાં આવા ગોટાળા ચાલતા જ હોય છે. આ જ કારણે સુપ્રીમ કોર્ટે આઇએમએનો પણ કાન આમળ્યો કે તે પહેલાં પોતાનું ઘર ઠીક કરે. આઇએમએના પદાધિકારી એ તથ્યથી અજાણ નહીં હોય કે કેટલાય એલોપેથ ડોક્ટરો કેટલીય વાર દવાઓની ઉપયોગિતાના આધારે નહીં, પરંતુ અંગત લાભ માટે તેમનું વેચાણ વધારવા માટેનાં ગતકડાં કરે છે. આના બદલે તેઓ દવા કંપનીઓ પાસેથી મોંઘી ભેટો લેવાની સાથે જ તેમના ખર્ચે વિદેશ પ્રવાસો કરતા રહે છે. કેટલાક તો રોકડ પણ લે છે. આ જ કારણે તાજેતરમાં કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રાલયે ફાર્મા કંપનીઓ માટે એક સંહિતા જારી કરીને આ બધા પર રોક લગાવવાના કડક નિર્દેશો આપ્યા હતા. આખરે આ કામ આઇએમએ પહેલાં જ પોતાના સ્તરે કેમ ન કરી શક્યું?કે પછી એનામાં ‘ઇચ્છાશક્તિ’નો અભાવ છે?
એ પણ સારું થયું કે છેવટેે સુપ્રીમ કોર્ટની નજર એ કંપનીઓ પર પણ પડી જે ભ્રામક જાહેરાતો દ્વારા એવાં ઉત્પાદનોનો પ્રચાર કરે છે, જે શિશુઓ અને સ્કૂલનાં બાળકોની સાથે બુઝુર્ગોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભ્રામક જાહેરાતો વિરુદ્ઘ કાર્યવાહીનું વિવરણ માંગીને પણ બિલકુલ યોગ્ય જ કર્યું, કારણ કે અનેક કંપનીઓ ભ્રામક જાહેરાતો આપવા મામલે બેલગામ દેખાય છે. તેની અવગણના ન કરી શકાય કે છેલ્લા કેટલાક સમયથી એવી જાહેરાતોનું ઘોડાપૂર આવ્યું છે, જે ભળતાં નામવાળાં ઉત્પાદનોના સહારે એવી ચીજોનો પ્રચાર કરે છે, જે સ્વાસ્થ્ય માટે બેહદ હાનિકારક છે. દારુ-ગુટખાની જાહેરાતો તેમાં મોખરે છે અને એવી જાહેરાતો મોટા મોટા ફિલ્મ સ્ટારો અને ક્રિકેટ ખેલાડીઓ જ કરી રહ્યા છે તે આપણા દેશનું દુર્ભાગ્ય છે. આ બીજું કશું જ નહીં, સરકાર અને તેની નિયામક સંસ્થાઓની આંખોમાં ધૂળ નાખવાના પેંતરા છે. સુપ્રીમ કોર્ટે પોતે એની નોંધ લેવાની અને એના પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવાની જરૂર છે. પતંજલિનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ જે રીતે કેટલાક લોકોએ આયુર્વેદ વિરુદ્ઘ અભિયાન છેડી દીધું છે, તેની પણ નોંધ સુપ્રીમ કોર્ટે લેવી જરૂરી છે. પતંજલિની ભ્રામક જાહેરાતોના આધારે આયુર્વેદને જ બદનામ કરવામાં આવે તે ચલાવી ન લેવાય. જેટલી મહત્તા એલોપેથીની છે એવી આયુર્વેદ અને અન્ય ચિકિત્સા પદ્ઘતિઓની પણ છે. તમામ ચિકિત્સા પદ્ઘતિઓની પોતાની મર્યાદાઓ પણ છે, તેથી દરેકે એકબીજાની પૂરક બનવું રહ્યું.