લીમખેડા, લીમખેડા તાલુકામાં આવેલા જુના વાડીયા ગામના સીમાડે પસાર થતી ડોશી નદીમાં ન્હાવા પડેલા સિંગાપુર ગામના ધાટા હનુમાન મંદિરના પુજારીના બે આશાસ્પદ પુત્રોના નદીના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નીપજતા ગામમાં માતમ છવાયો હતો.
સિંગાપુર ગામે આવેલા ધાટા હનુમાન મંદિરના પુજારી સુનીલભાઈ જોશીના બંને પુત્ર નામે સત્યાનંદ જોશી તથા પરમાનંદ જોશી તેના અન્ય મિત્રો સાથે જુના વડીયા ગામના સીમાડે આવેલ ડોશી નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં ઉંડા પાણીમાં બે સગાભાઈઓ ગરકાવ થયા હતા. આ જોઈને ગભરાઈ ગયેલા અન્ય મિત્રો પાણીમાંથી હેમખેમ બહાર નીકળી બુમાબુમ કરતા અન્ય રહિશો ત્યાં દોડી આવ્યા હતા. ગામના તરવૈયાઓએ નદીમાં ઉંડા પાણીમાં શોધખોળ હાથ ધરી ભારે જહેમત બાદ બંને સગા ભાઈઓના મૃતદેહો નદીમાંથી બહાર કાઢ્યા હતા.