“ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ”મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં “મારો મત, મારો અધિકાર”ના સ્લોગનની મહેંદી મુકાવી

દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે આગામી તા. 7 મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે દાહોદ જીલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી વ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. દાહોદ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં આજરોજ મદદનીશ ચુંટણી અધિકારી નીલાંજસા રાજપૂતના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના બહેનોએ પોતાના હાથમાં “મારો મત મારો અધિકાર” સ્લોગનની મહેંદી બનાવી હતી. આ તકે મહિલા મતદાતાઓ પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હતા. હું મતદાન કરીશના સેલ્ફી પોઈન્ટ સાથે જાગૃત નાગરીકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે . ઉપસ્થિત તમામ બહેનોએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.