ઝાલોદ નગરપાલિકા ખાતે વેપારીઓ સાથે બેઠક : નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા થઈ ચર્ચા

દાહોદ,આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર યોગેશ નિરગુડેના દિશા નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે.

જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં મતદારોની સહભાગીતા વધે તથા ભારતના ચૂંટણીપંચનું સુત્ર – No voters to be left behind ચરિતાર્થ થાય તે હેતુથી વધુમાં વધુ નાગરિકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ઝાલોદ શહેરમાં ચૂંટણીના દિવસે તમામ વેપારીઓ પણ મતદાન અચૂક પણે કરે તે માટે ઝાલોદ નગરપાલિકા ખાતે વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

વધુમાં વધુ વેપારીઓ લોકશાહીના આ પર્વમાં જોડાય અને અન્ય લોકોને પણ જોડવા માટે પ્રોત્સાહન આપે તે માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ સેલ્ફી પોઇન્ટ થકી સેલ્ફી લઇ અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કુનલી ગામની આંગણવાડી ખાતે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં કિશોરીઓ તેમજ મહિલાઓ દ્વારા માટીની માટલીઓ ઉપર મતદાન માટેના સંદેશા લખીને મતદાન જાગૃતિ માટેના ગરબા કરવામાં આવ્યા હતા. એ સાથે મમતા દિવસ નિમિત્તે આંગણવાડી પર આવેલ તમામ લાભાર્થીઓ સાથે મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી.