- સક્ષમ એપ દ્વારા દિવ્યાંગજનો ચૂંટણી પંચ સાથે પોતાની જરૂરી વિગતો શેર કરી શકે છે.
- ચૂંટણીના પર્વમાં કોઈ પણ મતદાર બાકાત ન રહી જાય તે માટે ચૂંટણીતંત્ર કાર્યરત.
નડિયાદ,ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણી-2024માં દેશનો કોઈ પણ નાગરિક નાની પણ અસુવિધાના કારણે મતદાનથી બાકાત ન રહી જાય તે માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નો પૈકીનો એક એટલે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો માટે તૈયાર કરવામાં આવેલ સક્ષમ એપ. આ એપ દિવ્યાંગજનોને કસ્ટમાઇઝ્ડ સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. દિવ્યાંગજન (પીડબ્લ્યુડી) પોતાની આવશ્યક વિગતો ચૂંટણી પંચ સાથે ખાસ ડિઝાઇન કરેલી આ એપ્લિકેશન દ્વારા શેર કરી શકે છે.
દિવ્યાંગ મતદારોમાં કોની ગણતરી કરવામાં આવે છે ?
જો કોઈ વ્યક્તિની ઉંમર, અસ્થાયી બિમારી, ગર્ભાવસ્થા કે અન્ય રોગના કારણે ગતિશીલતા અથવા શારીરિક સંકલન ઘટી ગયું હોય અને તેઓને નોંધણી કરાવવા અને મતદાન કરવા માટે ખાસ સુવિધા આપવાની જરૂર જણાતી હોય તેવા મતદારોને વોટર્સ વીથ રીડ્યુસ્ડ મોબીલીટી એન્ડ ફિઝીકલ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે.
સક્ષમ એપ વિશે:
સક્ષમ એપ એન્ડ્રોઈડ તથા આઈઓએસ ફોન પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા કોઈપણ ચૂંટણી સેવાઓ માટે, પ્રથમ વખતના મતદારોએ તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર તેમના રાજ્ય, જીલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે જાહેર કરવાનો રહે છે. જ્યારે નોંધાયેલા મતદારોએ તેમના મતદાર આઈડી કાર્ડ પર દર્શાવેલ ઊઙઈંઈ નંબર એન્ટર કરવાનો રહે છે. આમ કર્યા બાદ ચૂંટણીલક્ષી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બૂથ-લેવલ ઓફિસર તેમના ઘરે મુલાકાત લેશે. સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ તેમનું મતદાર આઈડી કાર્ડ તેમના સરનામાં પર થોડા જ સમયમાં મોકલવામાં આવે છે. એટલું જ નહીં આ એપ દ્વારા દિવ્યાંગ મતદાતા મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી પણ કરી શકે છે.