
- લાખો રૂપિયાના ખર્ચ કરવા છતાં નળમાં એક ટીપું પાણી નહીં આવતા ગ્રામજનોમાં છૂપો આક્રોશ.
- ઘરે ઘરે ચકલીઓ તો મૂકી પણ પાણી નહીં આવતા મહિલાઓ હેડ પંપ ખાતે પાણી ભરવા જતા હોય છે.
- નલ સે જલ યોજના શોભા ના ગાંઠિયા સમાન બની ના છૂટકે મહિલાઓને હેડ પંપ ના સહારે પીવાનું પાણી મળી રહ્યું.
- વાસ્મોના અધિકારીએ આ બાબતને લઈને ગંભીરતા નહિ લેતા પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી.
શહેરા, શહેરા તાલુકાના વિજાપુર ગામ ખાતે નલ સે જલ યોજના ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન બની હતી. લુહાર ફળીયા તેમજ અન્ય વિસ્તારની મહિલાઓ કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી ભરવા માટે હેડ પંપ ખાતે જતા હોય છે.

શહેરા તાલુકાના વિજાપુર ગામમાં આવેલી ગ્રામ પંચાયતમાં ગામનો વિકાસ થાય એ માટે સરકારી ની વિવિધ યોજનાઓની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જ્યારે આ ગામના ગ્રામજનોને પીવાના પાણીની તકલીફ પડે નહિ એ માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાની 40 લાખ કરતા વધુ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ કનેકશન મૂકવામાં આવતા અહીંની મહીલાઓને પાણી સમસ્યા માંથી છુટકારો મળશે તેવી આશા તે સમયે બંધાઈ હતી. જોકે, આ ગામમાં એક વર્ષથી નળમાં પાણી નહી આવ્યુ હોવાનું આ ગામના અભેસિંહ, સુમિત્રાબેન સહિતના સ્થાનિક ગ્રામજનો પાસે થી જાણવા મળેલ હતું. લુહાર ફળીયા, ભક્ત ફળીયુ હોય કે અન્ય વિસ્તારમાં પાણી માટેની લાઈનની કામગીરી પૂર્ણ થયા પછી પણ એક વર્ષથી નલ સે જલ યોજનાનું પાણી નહિ મળતા મહિલાઓ પાણી ભરવા માટે હેન્ડ પંપ ખાતે જતા હોય છે. અહીંની મહિલાઓ હેન્ડ પંપ પર પાણી ભરવા જતા હોય ત્યારે રાજ્ય સરકારની ઘરે ઘરે નળમાં પાણી પહોંચાડવાની યોજના ગ્રામજનો માટે શોભાના ગાંઠીયા સમાન બની હતી. આ ગામમાં ઘરની બહાર નળ તો જોવા મળતા હોય પરંતુ એમાં પાણી નહીં આવતા ગ્રામજનોને ના છૂટકે વર્ષો જુની પરંપરા મુજબ પાણી ભરવા માટે હેડ પંપ અને કુવા ખાતે જતા હોય ત્યારે રાજ્ય સરકારની આ નલ સે જલ યોજના ક્યાંક ને ક્યાક નિષ્ફળ નિવડી હોય એવી ચર્ચાઓ જાગૃત ગ્રામજનો થઈ રહી હતી. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને પાણીની તકલીફ ના પડે તે માટે અનેક યોજના ફાળવામાં આવવા સાથે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે. પણ સમય જતા તંત્રના સરકારી બાબૂઓની બેદરકારીના કારણે કે પછી આ તરફ ધ્યાન ના આપવાથી યોજના જોઈએ તેટલી સાર્થક થઇ શકતી નથી.