ગુજરાતમાં ૧૦ ટકાથી વધુ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર

ગાંધીનગર, લોક્સભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોનું ચિત્ર ફાઇનલ થઇ ગયુ છે ત્યારે ગુજરાતની ૨૬ બેઠકોના કુલ ૨૬૬ ઉમેદવારોમાંથી ૩૨ ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા છે અને જુદી જુદી કોર્ટમાં કેસ પડતર છે. આમ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના કુલ ઉમેદવારોમાં ૧૦ ટકાથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા છે જેમાં સૌથી વધુ ૧૫ અપક્ષ ઉમેદવારો છે અને રાજકીય પાર્ટીમાં સૌથી વધુ છ ઉમેદવાર કોંગ્રેસના છે.

ગુજરાતમાં ૭મીએ લોક્સભાની ચૂંટણી માટે મતદાન થનાર છે અને ઉમેદવારો પણ ફાઇનલ થઇ ગયા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબએપની વિગતો મુજબ ગુજરાતમાં કુલ ૨૬૬ ઉમેદવારોમાંથી ૩૨ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જેમાં અપક્ષ ઉમેદવારો સૌથી વધુ છે. ૧૫ અપક્ષ ઉમેદવારો એવા છે કે જેઓની સામે પોલીસ ફરિયાદો થયેલી છે. ગુનાઇત ઇતિહાસ ધરાવતા કુલ ઉમેદવારોમાંથી ભાજપના ૩ ઉમેદવારો છે અને કોંગ્રેસના છ ઉમેદવારો છે જ્યારે આપ પાર્ટીના એક ઉમેદવાર છે. અન્ય નોંધાયેલી પાર્ટીઓના ૭ ઉમેદવારો છે.

આ વખતની ચૂંટણીમાં ૨૦૦૪ પછીના સૌથી ઓછા ૨૬૬ ઉમેદવારો છે ત્યારે કુલ ઉમેદવારોમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા ૧૦ ટકાથી વધુ ઉમેદવારો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અને એફિડેવિટની વિગતો મુજબ ૩૨ જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુનામાં કેસ નોંધાયા છે અને હાલ જુદી જુદી કોર્ટોમાં કેસ પડતર છે. જેમાં ભાજપ,કોંગ્રેસ અને આપના મળીને મોટા નેતાઓ પાંચથી છ જેટલા છે. જ્યારે ગુનાઇત ઇતિહાસ ધરાવતા ૧૫ અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ૩ સુરેન્દ્રનગર બેઠકમાં, સાબરકાંઠામાં બે, ગાંધીનગરમાં બે, ભરૂચમાં બે, ભાવનગર, વડોદરા, ખેડા, જામનગર, પોરબંદર અને આણંદના એક-એક ઉમેદવાર છે.