રાજ્યમાં ૧૫ કરોડનો દારૂ સહિત કુલ રૂ.૧૨૩ કરોડની ચીજો ઝડપાઇ

ગાંધીનગર, ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કુલ રૂ.૧૨૧.૬૫ કરોડની બેનંબરી ગેરકાયદેસર પ્રતિબંધિત ચીજો પકડાઈ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને દેખરેખ માટે રાજ્યમાં કાર્યરત ૭૫૬ ફ્લાઈંગ સ્ક્વોડ તથા ૧,૨૦૩ સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા આ બધી ચીજો પકડાઈ છે, જેમાં દારૂ-નશીલા પદાર્થો, જર-ઝવેરાત, રોકડ રકમ વગેરે સામેલ છે.

રાજ્યમાં ૧૬મી માર્ચથી ૨૧મી એપ્રિલ સુધીમાં ચૂંટણી તંત્રની મોબાઈલ એપ સી-વિજિલ ઉપર આચારસંહિતાના ભંગ બાબતની કુલ ૨,૮૩૮ ફરિયાદો મળી છે, નેશનલ ગ્રિવન્સ સવસીસ પોર્ટલ ઉપર મતદાર ઓળખકાર્ડ અંગે ૮,૧૪૨ મતદાર યાદી સંદર્ભે ૭૬૦, મતદાર કાપલી સંદર્ભે ૨૦૦ તથા અન્ય ૧,૯૦૦ મળીને કુલ ૧૧,૦૦૨ ફરિયાદો મળી છે, ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતેના કંટ્રોલ રૂમ ઉપર ૧૯૩ ફરિયાદો, મીડિયા મારફતે ૧૮ ફરિયાદો, ટપાલ-ઈ-મેઈલ દ્વારા રાજકીય પક્ષો તરફથી ૩૯, ભારતના ચૂંટણી પંચ મારફતે ૪૫ તથા અન્ય ૪૦૯ મળી ૫૦૮ ફરિયાદો મળી છે. આમ કુલ ૧૪,૫૪૬ ફરિયાદો ચૂંટણી પંચમાં ખડકાઈ છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું છે કે, આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં ૨, ૫૬, ૧૬, ૫૪૦ પુરુષ, ૨, ૪૧, ૫૦, ૬૦૩ સ્ત્રી તથા ૧,૫૩૪ ત્રીજી જાતિના મળીને કુલ ૪, ૯૭, ૬૮, ૬૭૭ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ આ ચૂંટણીમાં કરી શકશે. આ તમામ મતદારોને એપિક કાર્ડ યાને મતદાર ઓળખપત્ર આપી દેવાયા છે. આવતીકાલ બુધવારથી રાજ્યના બૂથ લેવલ ઓફિસરો દ્વારા એમને વોટર ઈન્ફર્મેશન સ્લિપનું વિતરણ ઘેર ઘેર ફરીને કરવામાં આવશે