રાજકોટ, રાજકોટમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી વિધવાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાએ મુસ્લિમ યુવક વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે મુસ્લિમ યુવકની ધરપકડ કરી હતી.
આ બાબતે રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મહિલા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલા એક ગુનો નોંધાયો હતો. યાસીન (યાસીન ઉર્ફે ભૂરો કૈયડા) નામના મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેને તરછોડી દીધી હતી.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મુસ્લિમ યુવક અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ ચુક્યો છે, તેના પર ગુજસીટોકની કલમો પણ લાગેલી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીને ટ્રેસ કરી તેની ધરપકડ કરી મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ભોગ બનનાર મહિલા અને આરોપી મુસ્લિમ યુવક વચ્ચે અનેક વર્ષોથી સંબંધ હતો, પણ મહિલાને જાણ થઇ હતી કે આરોપી યુવકે હિન્દુ નામ બતાવ્યું હતું, પણ તે હિન્દુ નહીં, મુસ્લિમ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ભોગ બનનાર મહિલાએ તેની સાથે સંબંધો રાખવાના ઓછા કરી દીધા હતા અને પોલીસને જાણ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.
ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ આરોપી પરણિત છે. વ્યક્તિ પાછળ કોઈ અન્ય વ્યક્તિ છે અથવા આ કોઈ ષડયંત્ર છે કે કેમ એમ અલગ અલગ એંગલમાં તપાસ ચાલુ છે.