બીજા તબક્કા માટે આજે પ્રચાર પડઘમ શાંત, ૮૮ બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન યોજાશે

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના બીજા તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે સાંજે બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર શાંત થયો હતો અને હવે ૨૬ એપ્રિલે ૧૩ રાજ્યની ૮૮ લોક્સભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકોનું પરિણામ એક સાથે ૪ જૂને જાહેર કરવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થઇ શકે તેના માટે ચૂંટણી પંચે પુરી તૈયારી કરી લીધી છે. બીજી તરફ ત્રીજા તબક્કાના મતદાન માટે નામ પરત ખેચવાની તારીખ સ્પષ્ટ થયા બાદ કુલ ઉમેદવારોની તસવીર પણ સ્પષ્ટ થઇ ગઇ છે. ત્રીજા તબક્કામાં ૭ મેએ ૧૨ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૫ બેઠક પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં આ ૯૫ બેઠકો માટે કુલ ૧૩૫૧ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ અનુસાર, ત્રીજા તબક્કાના મતદાન માટે કુલ ૨૯૬૩ નોમિનેશન ફોર્મ ભરવામાં આવ્યા હતા, તેની તપાસ બાદ માત્ર ૧૫૬૩ ફોર્મ જ યોગ્ય હતા જેમાંથી ૨૧૨ ઉમેદવારોએ પોતાનું નામ પરત ખેચી લીધુ હતું.

બીજા તબક્કામાં ક્યા રાજ્યની કઇ બેઠક પર મતદાન યોજાશે તેમાં ત્રિપુરા- ત્રિપુરા પૂર્વ,જમ્મુ કાશ્મીર- જમ્મુ લોક્સભા,પશ્ર્ચિમ બંગાળ- દાજલિંગ, રાયગંજ અને બાલૂરઘાટ,આસામ- દર્રાંગ-ઉદાલગુરી, ડિફૂ, કરીમગંજ, સિલચર અને નૌગાંવ,બિહાર- કિશનગંજ, કટિહાર, પૂણયા, ભાગલપુર અને બાંકા,છત્તીસગઢ- રાજનાંદગાંવ, મહાસમુંદ અને કાંકેર,મય પ્રદેશ- ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા અને હોશંગાબાદ,મહારાષ્ટ્ર- બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ, વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી,ઉત્તર પ્રદેશ- અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરા,રાજસ્થાન- ટોંક-સવાઇ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ,ચતૌડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બારા,કર્ણાટક- ઉડુપી-ચિકમગલૂર, હાસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્યા, મૈસૂર, ચામરાજનગર, બેંગલુરૂ ગ્રામીણ, બેંગલુરૂ ઉત્તર, બેંગલુરૂ સેન્ટ્રલ, બેંગલુરૂ દક્ષિણ, ચિકબલ્લાપુર અને કોલાર,કેરળ- કાસરગોડ, કન્નૂર, વડકરા, વાયનાડ, કોઝિકોડ, મલ્લપુરમ, પોન્નાની, પલક્કડ, અલાથુર, ત્રિશૂર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા, મવેલ્લિકારા, પથાનમથિટ્ટા, કોલ્લમ, અટ્ટિગંલ અને તિરૂઅનંતપુરમનો સમાવેશ થાય છે

બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે, જેમાં ભાજપના પ્રહલાદ જોશી, હેમા માલિની, ઓમ બિરલા, અરુણ ગોવિલ, નવનીત રાણા, મહેશ શર્માનો સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસના શશિ થરૂર અને રાહુલ ગાંધીની બેઠકો પર પણ બીજા તબક્કામાં મતદાન થશે. શશિ થરૂર તિરુવનંતપુરમથી અને રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે.