જીલ્લા ચૂંટણી અધિકારી અધ્યક્ષતામાં મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર હેતુ ખેડા જીલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજાઈ

  • લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા અનુરોધ કરતા જીલ્લા ચૂંટણી અધિકારી.

નડિયાદ,જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર હેતુ ખેડા જીલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ. જેમાં ખેડા જીલ્લાના ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, અને ફેસબુકમાં ફોલોઅર્સની મોટી સંખ્યા ધરાવતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ જોડાયા હતા અને મતદાન જાગૃતિના સંદેશનો સક્રિયપણે પ્રચાર-પ્રસાર કરવા સંમત થયા હતા.

આ પ્રસંગે જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પાસે અભિવ્યક્તિની એક આગવી શૈલી હોય છે. વધુમાં, તેઓનું સામાન્ય જનતા સાથે સંપર્કક્ષેત્ર વિશાળ હોવાથી મતદાનના મહત્વ વિશે વધુ સારી રીતે સમજાવી શકાય છે. ત્યારે ખેડા જીલ્લાના આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ તેમની આગવી શૈલીના ઉપયોગ અને આદર્શ આચારસંહિતાનું પાલન કરી મતદાન જાગૃતિના કાર્યમાં સહભાગી થાય તેવી જીલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી.

વધુમાં, જીલ્લા વિકાસ અધિકારીએ પણ લોકશાહી વ્યવસ્થામાં મતદાનનું મહત્વ સમજાવી મતદાન પ્રક્રિયાની સકારાત્મક બાબતોનો પ્રચાર-પ્રસાર કરવા વિનંતી કરી હતી. ઉપરાંત, સ્વીપ નોડલ કલ્પેશ રાવલ દ્વારા જીલ્લામાં ચાલી રહેલા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો વિશે ઈન્ફ્લુએન્સર્સને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ મીટીંગમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, નાયબ ચૂંટણી અધિકારી કુસુમબેન પ્રજાપતિ, સોશિયલ મીડિયા નોડલ નિત્યા ત્રિવેદી, નડિયાદ પ્રાંત અધિકારી કલ્પેશ સુવેરા, મહુધા પ્રાંત અધિકારી વિમલ ચૌધરી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ હાજર રહ્યા હતા.