ગાઝા, વિશ્ર્વ જાણે છે કે હમાસના આતંકવાદીઓએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઈઝરાયેલ પર સૌ પ્રથમ હુમલો કરી નિર્દોષ લોકોના જીવ લીધા હતા. આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરીને ગાઝા સ્થિત હમાસના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. હજારો મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા હતા. ઈઝરાયેલી સેનાની પીછેહઠ બાદ ગાઝા સિક્યોરિટીએ ગુમ થયેલા લોકોની શોધ હાથ ધરી હતી ત્યારે ૩૦૦ જેટલા મૃતદેહોની કબર મળી આવતા ચકચાર મચવા પામી છે.
થોડા મહિનાઓ બાદ, ઇઝરાયેલી સૈનિકો ગાઝાથી પીછેહઠ કરી હતી. દરમિયાન દક્ષિણ ગાઝા શહેર ખાન યુનિસની એક હોસ્પિટલમાં લગભગ ૩૦૦ મૃતદેહો ધરાવતી સામૂહિક કબર મળી આવતાં સમગ્ર વિશ્ર્વમાં ચકચાર મચવા પામી છે.
માહિતી મુજબ, નાસેર મેડિકલ કોમ્પ્લેક્સના પ્રાંગણમાં મોટી સંખ્યામાં મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. ગાઝાના નાગરિક સંરક્ષણ કાર્યકર સુલેમાને આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહોના હાથ અને પગ બાંધેલા મળી આવ્યા હતા. તે જોતાં લાગે છે કે તેમની હત્યા કરવામાં આવી છે. તેમને મારી નાખવામાં આવ્યા છે કે જીવતા દફનાવી દેવામાં આવ્યા છે તેની પુષ્ટિ થઈ નથી. મોટાભાગના મૃતદેહો સડી ગયા છે. નાસર મેડિકલ કોમ્પ્લેક્સની આસપાસના વિસ્તારમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તીવ્ર બોમ્બ ધડાકા અને લડાઈ જોવા મળી હતી.
હજું સુધી કોઈ મૃતદેહોની પુષ્ટિ કરી શક્યું નથી તેમજ મૃત્યુંનું કારણ શોધી શકાયું નથી. સોશિયલ મીડિયા પર સામૂહિક મૃતદેહોની કબર સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો મૃતદેહોને બહાર કાઢીને બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. અગાઉ ખાન યુનિસ સિવિલ ડિફેન્સના પ્રવક્તા અને સર્ચ મિશનના વડા રાયદ સાકરએ વિદેશી મીડિયાને જણાવ્યું હતું કે તેઓ ૭ એપ્રિલે ઇઝરાયેલી સેનાની ગાઝામાંથી પીઠેહઠ બાદ ગુમ થયેલા લોકોના મૃતદેહોને શોધી રહ્યા છે. શોધ દરમિયાન આ કબર મળી આવી છે.