માલદીવના લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ઇસ્લામ અને તેના સિદ્ધાંતોમાં વિશ્વાસ જાળવી રાખવા માંગે છે,મુઈઝુ

માલે, સત્તાધારી પીપલ્સ નેશનલ કોંગ્રેસને સંસદીય ચૂંટણીમાં જંગી બહુમતી મળ્યાના એક દિવસ બાદ ચીન સમથત મુઈઝુએ આ નિવેદન આપ્યું છે. ચૂંટણીમાં, મુઇઝુની પીએનસી પાર્ટીએ ૯૩માંથી ૬૮ બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી ભાગીદારો માલદીવ્સ નેશનલ પાર્ટીએ એક બેઠક અને માલદીવ્સ ડેવલપમેન્ટ એલાયન્સે બે બેઠકો જીતી હતી.

મુઇઝુની શાસક પીપલ્સ નેશનલ કોંગ્રેસ પાર્ટી, જેને ચીનનું સમર્થન છે, તેણે ૯૩માંથી ૬૮ બેઠકો જીતી છે જ્યારે તેના સહયોગી માલદીવ્સ નેશનલ પાર્ટીએ એક અને માલદીવ્સ ડેવલપમેન્ટ એલાયન્સને બે બેઠકો જીતી છે. મુઈઝુનું આ નિવેદન સંસદીય ચૂંટણીના પરિણામોના એક દિવસ બાદ આવ્યું છે.

મુઈઝુએ કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું છે કે અમે એક ગૌરવપૂર્ણ દેશ છીએ, જે સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને ચાહે છે. તેમણે કહ્યું કે સંસદીય ચૂંટણીના પરિણામો એ વાતનો પુરાવો છે કે માલદીવના લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ઇસ્લામ અને તેના સિદ્ધાંતોમાં વિશ્ર્વાસ જાળવી રાખવા માંગે છે. આ પરિણામો માલદીવના લોકોની દ્રષ્ટિ અને ઉદ્દેશ્યો વિશે વિશ્ર્વને આપેલો સંદેશ છે.

તેમણે કહ્યું કે સંસદીય ચૂંટણીના પરિણામો એ વાતનો પણ પુરાવો છે કે માલદીવના લોકો વિદેશી દબાણને નકારીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વાયત્તતા પસંદ કરવા માંગે છે. વાસ્તવમાં, તેમણે ઘણી વખત ભારત પર માલદીવના આંતરિક મામલામાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. મુઈઝુએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ’ઈન્ડિયા આઉટ’ ના નારા પર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. મુઇઝુએ કહ્યું કે આ ચૂંટણી પરિણામોએ છુપાયેલ એજન્ડા ધરાવતા લોકોને યોગ્ય જવાબ આપ્યો છે. તેમને હવે ખબર પડી ગઈ છે કે માલદીવના લોકો ખરેખર શું ઈચ્છે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આ વર્ષે જાન્યુઆરીમાં પાંચ દિવસ માટે ચીનની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાંથી પાછા ફરતાની સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી. મુઈઝુએ કહ્યું હતું કે આપણે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી. જોકે, મુઈઝુએ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવતું હતું કે તેમનું લક્ષ્ય ભારત તરફ હતું.

ચીન તરફી ગણાતા મુઈઝુએ તેમની પાંચ દિવસની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.

વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આ મામલે વિવાદ વયા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.