
જયપુર, ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સીઝનની ૩૮મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળ્યો હતો જેમાં બોલિંગમાં સંદીપ શર્માએ ૫ વિકેટ અને યશસ્વી જયસ્વાલે બેટિંગમાં મેચ વિનિંગ સદી ફટકારી હતી.
આઈપીએલની આ સિઝનમાં ૮ મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ પાંચમી હાર છે અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ મેચમાં ટીમની હારનું મુખ્ય કારણ ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ ગુમાવવી હતી.
હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે, ’અમે અમારી ઇનિંગની શરૂઆતમાં જ મુશ્કેલીમાં આવી ગયા હતા, જ્યારે અમે ૨૦ના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે અમે વિચાર્યું ન હતું કે અમે ૧૮૦ રન સુધી પણ પહોંચી શકીશું પરંતુ તિલક અને નેહલે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. અમે અમારી ઇનિંગ્સને અપેક્ષા મુજબ સમાપ્ત કરી શક્યા નહીં જેમાં અમે ૧૦ થી ૧૫ રન ઓછા બનાવ્યા. બોલિંગ પાવરપ્લેમાં અમારે બોલને વિકેટની અંદર ફેંકવાનો પ્રયાસ કરવો જોઈતો હતો, પરંતુ અમે તેમ કરતા જોવા મળ્યા ન હતા. રાજસ્થાને આ મેચમાં દરેક વિભાગમાં અમને હરાવ્યાં હતા.’
પોતાના નિવેદનમાં હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે, ’આ મેચમાં અમે જે ભૂલો કરી છે તેને સુધારવાની જરૂર છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવી પડશે. આગળ વધવું જરૂરી છે અને આપણે આપણી ખામીઓને સ્વીકારીને તેના પર કામ કરવું પડશે. હું ખેલાડીઓની વધુ પડતી ટીકા કરવામાં માનતો નથી, હું તેમને સંપૂર્ણ સમર્થન આપું છું જેથી વધુ સારું ક્રિકેટ રમી શકાય. અમારે ભૂલો કરવાનું ટાળવું પડશે.’
જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ ૨૭ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે, જ્યારે ટીમ હાલમાં ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ૭માં સ્થાન પર છે.