
અમદાવાદ, ગુજરાતમાં આગામી ૭ મે ના રોજ યોજાનારી લોક્સભાની ૨૫ તથા વિધાનસભાની પાંચ બેઠકોની ચુંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. લોક્સભા માટે ૨૬૬ તથા પાંચ ધારાસભા બેઠકોની પેટાચૂંટણી માટે ૨૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો ગઈકાલે સોમવારે અંતિમ દિવસ હતો અને તે સાથે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું. સુરતની લોક્સભા બેઠક બીનહરીફ થતા હવે ૨૫ બેઠકો પર ચુંટણી થવાની છે અને તેમાં ૨૬૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ૨૦૦૯ પછી ગુજરાતમાં સૌથી ઓછા ઉમેદવારો છે. ૨૦૧૯ની સરખામણીએ પણ ૨૮ ટકા ઓછા ઉમેદવાર છે.
રાજયની લગભગ તમામ બેઠકોમાં નાના પક્ષો અથવા અપક્ષોને બાદ કરતા મુખ્યત્વે દ્વિપક્ષી સીધો મુકાબલો થવાનો છે. ૨૫માંથી ૨૩ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે તથા ભાવનગર-ભરૂચની બેઠકમાં ભાજપ-આપ વચ્ચે જંગ થશે. ચુંટણી જોડાણ અંતર્ગત આ બન્ને બેઠકો કોંગ્રેસે આમ આદમી પાર્ટી (આપ)ને ફાળવી હતી.ગુજરાતની સૌથી વધુ ૧૮ ઉમેદવાર અમદાવાદ પુર્વેની બેઠકમાં છે જયારે બારડોલીની બેઠક પર સૌથી ઓછા-માત્ર ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. રાજકોટની બેઠક પર ૯ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોને લાગેવળગે છે ત્યાં સુધી ૯૨ ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહ્યા છે. ૨૦૧૯ની સરખામણીમાં ભાવનગર તથા કચ્છને બાદ કરતા અન્ય તમામ છ બેઠકો પર ઉમેદવારોની સંખ્યા ઘટી છે. રાજકોટમાં ૨૦૧૯માં ૧૦ ઉમેદવારો હતા તે આ વખતે ૯ છે.
અમરેલીમાં ૧૨ની સરખામણીએ ૮, જુનાગઢમાં ૧૨ સામે ૧૧, પોરબંદરમાં ૧૭ની સરખામણીએ ૧૨, જામનગરમાં ૨૮ની સરખામણીએ ૧૪, ભાવનગરમાં ૧૦ સામે ૧૩, સુરેન્દ્રનગરમાં ૩૧ સામે ૧૪ તથા કચ્છમાં ૨૦૧૯માં ૧૦ની સરખામણીએ આ વખતે ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
લોક્સભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કુલ ૪૩૩ ઉમેદવારોએ ફોર્મ ભયા હતા. ચકાસણીમાં ૧૦૫ રદ થતા ૩૨૮ બાકી રહ્યા હતા. તેમાંથી ૬૨ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે ૨૬૬ ચુંટણી મેદાનમાં રહ્યા છે.
પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી કુલ ૫૮ ફોર્મ ભરાયા હતા તેમાંથી ૩૧ રદ થયા હતા અને ત્રણ પાછા ખેંચાતા હવે ૨૪ ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો છે. સૌથી વધુ આઠ ઉમેદવારો વિજાપુર બેઠકમાં રહ્યા છે જયારે વાઘોડીયા બેઠકમાં માત્ર બે જ ઉમેદવારો છે.
આ બેઠક પર પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઝુકાવ્યુ હતું પરંતુ પછી કોંગ્રેસને ટેકો જાહેર કરીને ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું. ગુજરાતમાં લોક્સભા ચૂંટણીમાં છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ ૫૭૭ ઉમેદવાર ૧૯૯૬માં હતા.
ઉમેદવારોની સંખ્યા
ચુંટણીવર્ષ….ઉમેદવારો
૧૯૯૬…૫૭૭
૧૯૯૮…૧૩૯
૧૯૯૯…૧૪૯
૨૦૦૪…૧૬૨
૨૦૦૯…૨૯૩
૨૦૧૪…૨૮૪
૨૦૧૯…૩૭૧
૨૦૨૪…૨૬૬