સાળંગપુર સહિત ગુજરાતભરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

અમદાવાદ, સાળંગપુર સહિત ગુજરાતભરમાં શ્રીરામના પરમ ભક્ત હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ગુજરાતમાં ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય ઉજવણી થઈ છે. અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતી ઉત્સવનો અનેરો માહોલ જોવા મળ્યો હતો મહાઆરતી બાદ પુષ્પોથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે હનુમાનજીને કિલોનો મહાલાડુ ધરાવાયો હતો અને કેમ્પ હનુમાન ખાતે મારુતિ યજ્ઞ બાદ ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દાદાના દર્શને ઉમટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હનુમાનની વાત આવે ત્યારે સાળંગપુરના ખાસ યાદ કરવામાં આવે છે. ત્યારે સાળંગપુર ધામ કષ્ટ ભજન દાદાના સાનિયમાં હનુમાનજી જ્યંતીની ઉજવણી થઈ છે. આજે વહેલી સવારથી જ દાદાના દર્શનઅર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી.આજે કષ્ટ ભજન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સવારે ૪ વાગ્યે મગલા આરતીના દર્શનનો પણ ભાવિકો ખુબ લાભ લીધો હતો.સાળંગપુર ધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું

તમને જણાવી દઈએ કે, હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી ઠેર ઠેર થઈ રહીં છે. ડભોડા હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે રાજકોટમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ છે.રાજકોટના ૪૫૦૦ જેટલા મંદિરમાં ઉજવણી થઈ છે. અહીં લોકોએ કેક કટિંગ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરી હતી આ સાથે બાલાજી હનુમાન મંદિરમાં ૫૧ કુંડી મહાયજ્ઞનું આયોજન થયું હતું અને આજે બાલાજી હનુમાન નગરચર્યાએ પણ નીકળ્યા હતાં

અમરેલીના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટી પડ્યા હતાં . અમરેલીથી લાઠી વાયા ભુરખિયા હનુમાનજી મંદિરે જવાના રોડ પર ઠેરઠેર ખાણી પીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતાં . હનુમાન જયંતિ નિમિત્તે લાઠી પાસે આવેલ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા માનવ મેદની ઉમટી હતી આ ઉપરાંત જુનાગઢ,પોરબંદર,કચ્છ,સાબરકાઠાં,બનાસકાઠામાં પણ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.