રાજૌરીના થરરી ખીણમાં સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા; ૫ દિવસમાં બીજી ઘટના

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં પાંચ દિવસમાં ટાર્ગેટ કિલિંગની બીજી ઘટના સામે આવી છે. અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એક સરકારી કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજૌરીના શાદરા શરીફ વિસ્તારની છે

મળતી માહિતી મુજબ, મોહમ્મદ રઝાક નામનો યુવક મસ્જિદમાંથી બહાર આવી રહ્યો હતો, તે દરમિયાન હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.મૃતક મોહમ્મદ રઝાક (ઉંમર ૪૦) સમાજ કલ્યાણ વિભાગમાં કર્મચારી હતો. ગયા બુધવારે અનંતનાગમાં બિહારના એક મજૂરને હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પાંચ દિવસમાં બીજી ઘટનાને પગલે ઘાટીમાં ભયનો માહોલ છે. હાલમાં, હુમલાખોરો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે માહિતી આપી છે કે ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આતંકવાદીઓને પકડવા માટે મોટાપાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે રાજૌરીમાં આ ત્રીજી ઘટના છે, જ્યારે અનંતનાગ અને હરપોરા જિલ્લામાં બે ઇમિગ્રન્ટ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પહેલા દક્ષિણ કાશ્મીરના હરપોરામાં દહેરાદૂનના એક યુવકને આતંકવાદીઓએ ગોળી મારી હતી. આના બરાબર એક અઠવાડિયા બાદ બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિહારના એક કાર્યકરની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પાંચ દિવસ પછી ૨૨ એપ્રિલે રાજૌરીમાં એક સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અનંતનાગમાં લોક્સભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. અહીં ૭ મેના રોજ મતદાન થવાનું છે.