દેવેન્દ્ર ફડણવીસે ધરપકડના ડરથી શિવસેનામાં ફાટફાટ સર્જી’, સંજય રાઉત

મુંબઇ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાયું હતું. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને કથિત ફોન ટેપિંગ કેસમાં ધરપકડના ડરથી શિવસેનામાં ભાગલા પાડ્યા હતા.

તેમણે કહ્યું કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર લોક્સભા ચૂંટણીમાં હારી જશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે નવી સરકાર ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સામેના કેસોની તપાસ કરશે, જે બંધ થઈ ગયા છે.

રાઉતે કહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી ૨૦૧૯-૨૦૨૨ સુધી સત્તામાં હતી, ત્યારે ભાજપના નેતાઓ પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, આશિષ શેલાર, ગિરીશ મહાજન સામે વિવિધ કેસોમાં તપાસ ચાલી રહી હતી.

તેમણે કહ્યું, ’જો તમે અમારા નેતાઓની ધરપકડ કરો છો, તો શું અમે તમારી પાર્ટીના નેતાઓને સ્પર્શ કરી શક્તા નથી? દેવેન્દ્ર ફડણવીસ પર તેમના વિરોધીઓના ફોન ટેપ કરવાનો ગંભીર આરોપ છે. તેમની ધરપકડ થઈ શકે છે અને સજા ભોગવવી પડશે એવા ડરથી તેમણે શિવસેનામાં ભાગલા પાડ્યા હતા.

નોંધનીય છે કે જૂન ૨૦૨૨માં એકનાથ શિંદેના નેતૃત્વમાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોએ પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ શિવસેના અલગ થઈ ગઈ હતી. ગયા વર્ષે, ચૂંટણી પંચ તેમજ રાજ્ય વિધાનસભાના સ્પીકરે શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી. તેમજ ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ પણ ફાળવવામાં આવ્યું હતું.

૨૦૧૪ થી ૨૦૧૯ સુધી મુખ્યમંત્રી રહેલા ફડણવીસે ગૃહ વિભાગનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તત્કાલીન રાજ્ય ગુપ્તચર વિભાગના વડા રશ્મિ શુક્લા પર વિપક્ષી નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો આરોપ હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, બોમ્બે હાઈકોર્ટે શુક્લા વિરુદ્ધ બે એફઆઈઆર રદ કરી હતી, જે હવે રાજ્યના પોલીસ મહાનિર્દેશક છે.