અમેરિકાના એરિઝોનામાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત, પરિવારે સરકારને લાગણીશીલ અપીલ કરી

વોશિગ્ટન,ભારતીયો માટે ફરી એકવાર અમેરિકાથી ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. એરિઝોનામાં લેક પ્લેઝન્ટ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મૃતક વિદ્યાર્થીઓની ઓળખ ૧૯ વર્ષીય નિવેશ મુક્કા અને ૧૯ વર્ષીય ગૌતમ પારસી તરીકે થઈ છે. બંને વિદ્યાર્થીઓ ભારતના હતા અને યુએસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા હતા.

પિયોરિયા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૨૦ એપ્રિલના રોજ સાંજે લગભગ ૬:૧૮ વાગ્યે રાજ્ય રૂટ ૭૪ની ઉત્તરે આવેલા કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, “વાહનો કેવી રીતે અથડાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.” પોલીસે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નિવેશ મુક્કા તેલંગાણાના કરીમનગર જિલ્લાના હુઝુરાબાદ શહેરનો રહેવાસી હતો અને ગૌતમ પારસી જાનગાંવ જિલ્લાના સ્ટેશન ઘનપુરનો રહેવાસી હતો. બંને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી માં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. અકસ્માત સમયે બંને મિત્રો સાથે યુનિવર્સિટી માંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી એક કારે તેમના વાહનને ટક્કર મારી હતી. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોએ મૃતદેહોને ઘરે લાવવા માટે ભારત સરકારને મદદની અપીલ કરી છે.