ચૂંટણી ફંડ પર ચર્ચા

એ સારું થયું કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એ સ્પષ્ટ કર્યું કે તમામ પક્ષો સાથે વાત કરીને ચૂંટણી ફંડની કોઈ નવી વ્યવસ્થા લાવવામાં આવશે. એ જરૂરી જ નહીં, અનિવાર્ય પણ છે, કારણ કે જો ફંડની કોઈ નવી વ્યવસ્થા નહીં બનાવવામાં આવે કે પછી ચૂંટણી બોન્ડની જૂની યોજનામાં ઇચ્છિત પરિવર્તન કરીને તેને એક નવા રૂપે નહીં લાવવામાં આવે તો દેશની રાજનીતિ ફરીથી કાળા નાણાંથી સંચાલિત થવા લાગશે. મુશ્કેલી એ છે કે ના તો કોઈ એ જણાવી રહ્યું છે કે શું ચૂંટણી બોન્ડની ખતમ કરવામાં આવેલી યોજનામાં થોડા બદલાવ કરીને તેને પારદર્શી બનાવી શકાય છે અને ના એ જણાવી રહ્યું છે કે ફંડની નવી પારદર્શી વ્યવસ્થા કેવી હોવી જોઇએ? એ તો સ્વીકાર્ય નથી કે ફંડની લેણદેણ એ જ રીતે થવા લાગે, જેમ ચૂંટણી બોન્ડ યોજના પહેલાં થતી હતી અને જેમાં કોઈને ખબર જ નહોતી પડતી કે કોણે કોને પૈસા આપ્યા? વિચિત્ર વાત એ છે કે એટલા દાયકાથી ચાલતી એ યોજના પર કોઈએ સવાલ પણ ન ઉઠાવ્યા! જો વિપક્ષી દળોને નાણાં મંત્રીના કથન પર વાંધો હોય તો પછી તેમણે જણાવવું જોઇએ કે ચૂંટણી ફંડની કોઈ નીર-ક્ષીર વ્યવસ્થા કેવી હોઈ શકે? શું એ વિચિત્ર નથી કે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડ યોજના ખતમ કરાતાં વિપક્ષી નેતાઓ સહિત અન્ય અનેક લોકો ખુશીના માર્યા આળોટવા લાગ્યા, પરંતુ કોઈએ એમ ન કહ્યું કે ભવિષ્ય માટે ફંડની લેવડ-દેવડની કઈ પદ્ઘતિ યોગ્ય રહેશે અને કેવી રીતે રાજનીતિમાં કાળા નાણાંના ઉપયોગને રોકી શકાય છે?

કેટલાય વિપક્ષી નેતાઓએ ચૂંટણી બોન્ડ યોજનાને લૂંટ અને ખંડણીનો રસ્તો તો ગણાવ્યો, પંરતુ તેઓ એ પ્રશ્ર્નનો જવાબ ન આપી શક્યા કે આખરે જે કંપનીઓએ ભાજપને ફંડ આપ્યું, એ જ કંપનીઓએ તેમને પણ ફંડ કેવી રીતે આપ્યું? ચાલો આપ્યું, તો પછી વિપક્ષી દળોએ તે લીધું કેમ? ચાલો લઈ લીધું, તો બોન્ડ યોજના ભ્રષ્ટાચારી હોવાનું ગણાવી રદ્દ કરી દીધી ત્યારે તેમણે એ નાણાં પાછાં કેમ ન આપી દીધાં? શું વિપક્ષો એમ કહેવા માગે છે કે ભાજપને જે ફંડ મળ્યું તે ખરાબ હતું અને વિપક્ષોને મળ્યું હતું એ એકદમ ચોખ્ખું? કોઈપણ એવો દાવો ન કરી શકે કે રાજનીતિનું કામ પૈસા વિના કે ફંડ વિના ચાલી જશે. દરેક લોક્તાંત્રિક દેશમાં રાજનીતિ ફંડના પૈસાથી જ ચાલે છે, પરંતુ વિકસિત દેશોએ તેની લેણ-દેણની પ્રક્રિયા એક હદ સુધી પારદર્શી રાખી છે. એનાથી જનતાને એ ખબર પડે છે કે રાજકીય પક્ષોને કોણ અને કેટલું ફંડ આપે છે. ચૂંટણી બોન્ડ યોજના પણ આ જ ઉદ્દેશ્યથી લાવવામાં આવી હતી, પરંતુ તે એટલા માટે પૂરી ન થઈ શકી કારણ કે આ યોજનામાં જરૂરી સુધાર નહોતા કરવામાં આવ્યા. વાસ્તવમાં એટલા માટે જ સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી દીધી. હવે એના પછી એ બાબત પર વિચાર થવો જ જોઇએ કે ફંડની નવી વ્યવસ્થા કેવી બને? એ ત્યારે જ સંભવ થશે, જ્યારે તમામ રાજકીય પક્ષો એના પર ગંભીરતાથી ચર્ચા કરશે. તેમણે એ બુનિયાદી વાત સમજવી પડશે કે ચૂંટણી બોન્ડ યોજના ખતમ થતાં ખુશ થવું એટલું પૂરતું નથી, ફંડની કોઈ નવી પારદર્શી વ્યવસ્થા જેટલી જલ્દી બને એટલું જ સારું.