ગોધરામાં વાલ્મિકી સમાજે આદ્યશક્તિ ર્માં જગતજનનીના 16મા પાટોત્સવની ઉજવણી કરી: ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

ગોધરા,ગોધરાના પાવર હાઉસમાં આવેલા વાલ્મિકીવાસ ખાતે આદ્યશક્તિ ર્માં અંબાનું ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં વાલ્મિકી સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જગતજનની ર્માં જગદંબાના 16મા પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને ગુજરાતી કલાકારના સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્ય સભાના સાંસદ જશવંતસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કુમારી કામિની સોલંકી, સિંધી સમાજના પ્રમુખ મુરલી મુલચંદાની, દીપકભાઈ સોની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.

ગોધરા શહેરના વિવિધ સમાજના લોકો એ મહા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ વાલ્મિકી સમાજના અગ્રણી અને નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશ ચૌહાણ દ્વારા રાજ્ય સભાના સાંસદ જશવંતસિંહ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકી અને પધારેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.

16માં પાટોત્સવ નિમિત્તે મહાઆરતીમાં વાલ્મિકી સમાજની એકતા તથા અન્ય સમાજમાંથી મળેલો સાથ સહકાર અને પ્રતિસાદથી વાલ્મિકીવાસમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગોધરા શહેરના પાવર હાઉસ ખાતે 16માં પાટોત્સવ દરમિયાન યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં ગુજરાતી અભિનેત્રી અને ગાયક કલાકાર નેહા સુથાર અને સિંગર જીગર ઠાકોર વનરાજ બારોટ ચિંતન પ્રણામી વિજય ગઢવી અશ્વિન ભુવાજી માઈકલ ડાન્સર સહિતના કલાકારોએ પોતાની આગવી કલાઓ દર્શાવી મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે વાલ્મિકી વાસ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ ગોધરાના વાલ્મિકી વાસ ખાતે પરમ પૂજ્ય યોગી ગિરનારી બાપુ 108, સનાતન ધર્મના પુન: ઉદ્ધારક પુરાણ કાળની પ્રતિમાં સમા લાગતા આર્ય સંસ્કૃતિ ભાવનાનું કેન્દ્ર સ્થાન લાગતા 108 યોગી ગિરનારી બાપુના પટ્ટ શિષ્ય 108 કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી જંત્રાલના આંબાવાડી આશ્રમમાં બિરાજમાન સીતારામ બાપુના સાંનિધ્યમાં જગતજનની મા જગદંબાનો ભવ્ય શોભાયાત્રા વાલ્મિકી વાસથી શરૂ કરી ભૂરાવાવ ચાર રસ્તા, સતનામ સાક્ષી ગેટ પરથી પરત નિજ મંદિર ખાતે લાવવામાં આવી હતી.

જેમાં ગોધરા નગરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા જગતજનની ર્માં જગદંબાના શોભાયાત્રાને પુષ્પગુચ્છથી સ્વાગત કરીને વધાવી અને ત્યારબાદ ડબગર સમાજની મહિલાઓ દ્વારા અંબેમાના મંદિર આગળ ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો.

બપોરના સમયે ગોધરા નગરના સૌ નગરજનોએ ર્માં અંબાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વોદય યુવક મંડળના નવ યુવાનોના અથાક પ્રયત્નો અને સિંધી સમાજના અગ્રણીઓ જેઠાનંદ પેશુમલ આસનાની, લવ જેઠાનંદ આસનાની, દીપક ખીમાણી, સંજય ટેહલ્યાણી, રામ ભાગવાની જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભા વધાવી હતી. જ્યારે વાલ્મિકી સમાજ મસીહા રાજેશ ચૌહાણ દ્વારા 16માં પાટોત્સવનું સુંદર આયોજન કરી સફળ બનાવ્યો હતો.