’આ પીડા હંમેશા મારી સાથે રહેશે’, હમાસ હુમલાની જવાબદારી લીધા બાદ ઇઝરાયેલના ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું

તેલઅવીવ, ઇઝરાયેલ પર હમાસના હુમલાને નિષ્ફળ ગણીને ઇઝરાયેલની સેનાના ગુપ્તચર વિભાગના વડા મેજર જનરલ અહારોન હલીવાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હમાસના હુમલાને રોકવામાં સક્ષમ ન હોવાની જવાબદારી લેતા મેજર જનરલ હલિવાએ પદ છોડ્યું. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ ટોચના સ્તરે આ પ્રથમ રાજીનામું છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં અન્ય ઘણા ટોચના અધિકારીઓ અને નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.

હમાસે ગયા વર્ષે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦ લોકોને હમાસના આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. હમાસના હુમલા બાદ જ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો અને હવે ગાઝા યુદ્ધને સાત મહિના વીતી ગયા છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં ૩૦ હજારથી વધુ લોકોના મોત થયા છે અને ગંભીર માનવતાવાદી કટોકટી સર્જાઈ છે. પોતાનું પદ છોડતા મેજર જનરલ હારોન હલીવાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે ’મારા નેતૃત્વમાં ગુપ્તચર વિભાગ તેની જવાબદારીઓનું પાલન કરી શક્યું નથી. એ અંધકારમય દિવસનું દર્દ આજે પણ મારી સાથે છે અને હંમેશા મારી સાથે રહેશે.

હમાસના હુમલા પછી તરત જ, હલીવાએ હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવાની જવાબદારી લીધી. જોકે, હલીવાએ તે સમયે રાજીનામું આપ્યું ન હતું. મેજર જનરલ હલિવાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે અને ઇઝરાયલી સેનાના વડાએ મેજર જનરલ હલિવાને તેમની સેવાઓ બદલ આભાર માન્યો છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ઈઝરાયેલ યુદ્ધમાં ફસાઈ ગયું છે. હમાસની સાથે સાથે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ સાથે પણ ઈઝરાયેલનો તણાવ વધી રહ્યો છે. ઈઝરાયેલનો ઈરાન સાથે ભૂતકાળમાં પણ તણાવ રહ્યો છે.