જે ૧૦૨ બેઠકો માટે મતદાન યોજાયું તેમાંથી મોટા ભાગના વિસ્તારો ભાજપ માટે કપરાં ચઢાણ જેવા હતાં

  • ભાજપને કુલ ૩૩૩ સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે ભાજપની ૩૧૯ સીટો અંદાજી હતી.

નવીદિલ્હી,લોક્સભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપની ૧૧ બેઠકો ઘટાડી છે. એકાદ મહિના પહેલાં ચૂંટણી સટ્ટોની શરૂઆતમાં ભાજપને કુલ ૩૩૩ સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે ભાજપની ૩૧૯ સીટો અંદાજી હતી. હવે ૧૪ દિવસ અને પ્રથમ તબક્કાના મતદાન પછી ભાજપની કુલ સીટો વધુ ઘટાડો કરીને ૩૦૮થી ૩૧૧ બેઠકો જીતશે કે નહીં તેના ઉપર બુકીંગ શરૂ કર્યું છે.

પ્રથમ તબક્કાનું મતદાન થયું તેમાં પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત સહિત કુલ ૧૦૨ બેઠકો હતી. આ બેઠકો ભાજપ માટે કપરાં ચઢાણરૂપ હતી અને ધારણાં કરતાં ઓછું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાવમાં બદલાવ કર્યો છે. કુલ સાત તબક્કામાં થનારાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ સટ્ટાબજારે ફેન્સી સોદા (સીટ ઉપર વ્યક્તિગત હારજીત) પણ શરૂ કર્યા છે. બુકીઓનું કહેવું છે કે, મતદાનના તબક્કા પસાર થતાં જશે તે મુજબ ચૂંટણીલક્ષી સટ્ટા અને ભાવમાં બદલાવ આવતો જશે.

લોક્સભા ચૂંટણીની ગાડી દોડતી થઈ છે તે સાથે જ સટ્ટાબજારમા પણ ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આગામી તા. ૪ જૂને મત ગણતરી પહેલાં કુલ સાત તબક્કામાંથનારાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ સટ્ટા બજારમાં નવા ભાવ આવ્યાં છે. પશ્ર્ચિમ બંગાળ સહિત ૨૧ રાજ્યોમાં ૧૦૨ બેઠકો ઉપર સરેરાશ ૬૨-૯૩ ટકા જેટલું ઓછું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપ એકલાહાથે કેટલી બેઠકો જીતશે તેમાં ૧૧ બેઠકોનો ઘટાડો કર્યો છે.

ચૂંટણી સટ્ટો શરૂ થયો ત્યારે ભાજપની ૩૩૩સીટનો અંદાજ ધરાવતી સટ્ટાબજારે પ્રથમ તબક્કાના મતદાન પછી ૩૦૮થી ૩૧૧ બેઠકો અંદાજી છે. ચૂંટણી જાહેર થઈ અને પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યાં સુધીમાં કુલ બાવીસ બેઠકો ઘટી છે. જો કે, બુકી બજારના સૂત્રોનું કહેવું છે કે, પ્રથમ તબક્કાનું મતદાન ધારણાં કરતાં ઓછું રહ્યું છે. આ ઉપરાંત, જે ૧૦૨ બેઠકો માટે મતદાન યોજાયું તેમાંથી મોટા ભાગના વિસ્તારો ભાજપ માટે કપરાં ચઢાણ જેવા હતાં. મતદાન પહેલાં અને મતદાન પછીના બુકી બજારના આકલનના આધારે ભાજપને અને કોંગ્રેસને મળનારી બેઠકોમાં વધઘટ દર્શાવીને સટ્ટો નોંધવામાં આવે છે. ભાજપ કે કોંગ્રેસ સટ્ટાબજારે જાહેર કરેલી બેઠક જીતી શકશે કે કેમ? તેના ઉપર ખેલી સટ્ટો રમી શકે છે. વર્તમાનસ્થિતિએ ભાજપ ૩૦૮ બેઠક જીતશે તેના ઉપર એક લાખ રૂપિયાનો સટ્ટો લગાવાય અને ૩૦૮થી ઓછી બેઠક આવે તો ખેલીના પૈસા જાય છે. એ જ રીતે ૩૧૧ બેઠક નહીં જીતે તેના ઉપર સટ્ટો લગાવનાર વ્યક્તિના પૈસા ભાજ૩૧૧ કે તેથી વધુ બેઠક જીતે તોજાય છે.

આજની તારીખે સટ્ટાબજાર ગુજરાતમાં ભાજપની તમામ ર૬ બેઠક નિશ્ચિત મનાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ , યુ.પી., પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ભાજપની બેઠકોમાં સટ્ટાબજાર હાલમાં તો સામાન્ય ઘટાડો દર્શાવે છે. ગત લોક્સભામાં ૩૦૩ બેઠકોની સરખામણીએ સટ્ટાબજારના મતે ભાજપ હાલમાં તો પ્લસમાં જ ચાલે છે.

મતદાનના આવનારાં તબક્કાઓમાં મતદાનની ટકાવારી ઉપરાંત વોટિંગ પેટર્નના આધારે હજુ પણ ભાજપ, કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોની હાર-જીત ઉપરનો સટ્ટો વધુને વધુતરલ બનતો જશે. આ વખતે મુખ્ય સટ્ટો કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બનશે તેના કરતાં ભાજપને કેટલી બેઠકો મળશે તેના ઉપર રમાઈ રહ્યો છે. મતદાનના તબક્કા શરૂ થતાં જ બુકી બજારે હવે રસપ્રદ બેઠકો અને ઉમેદવારો ઉપર પણ ફેન્સી શટ્ટો શરૂ કર્યો છે. બુકી બજારે ફેન્સી સોદા શરૂ કર્યા છે તેમાં ભાજપ એકી સંખ્યામાં કુલ સીટો જીતશે તેનો ભાવ ૧ રૂ. ૯૫ પૈસા કઢાયો છે. ભાજપ બેકી સંખ્યામાં બેઠકો જીતી શકે છે તેવો ભાવ કઢાયો નથી. નાગપુર બેઠક ઉપર નિતિન ગડકરી જીતશે તેને ભાવ ૧ રૂ.ને બે પૈસા કાઢ્યો છે. જ્યારે, નહીં જીતે તેનો ભાવ ૧ રૂ. ને ૭ પૈસા કઢાયો છે. વાયનાડ બેઠક ઉપર રાહુલ ગાંધીની જીતની ભાવ ૧ રૂા. ને આઠ હારનો ભાવ ૧ રૂા. ને ૧૫ પૈસા કઢાયો છે. પૈસા અને કર્ણાટકમાં એન .ડી.એ.૨૨ બેઠકો જીતશે અને ૨૪ બેઠકો નહીં જીતે તેના ઉપર સટ્ટો રમાડાઈ રહ્યો છે. જ્યારે, આંધ્રપ્રદેશમાં ભાજપ સંગઠનમાં રહેલી વાય.એસ.આર.સી.પી. ૧૧ બેઠકો જીતશે અને ૧૩ બેઠકો નહીં જીતે તેના ઉપર પણ સટ્ટો બુક કરાઈ રહ્યો છે. તમિલનાડુમાં ઈન્ડિયા એલાયન્સ ૩૩ બેઠકો જીતશે અને ૩૫ નહીં જીતે તેમજ ભાજ૫ ૩ બેઠકો જીતશે અને ૪ બેઠક જીતી નહીં શકે તેના ઉપર સટ્ટો રમાડાય છે. રાજસ્થાનની રાહુલ કાસવાનની ચુરૂ બેઠક ઉપર કોંગ્રેસની જીતની ભાવ ૧ રૂ. ને ૩૦ પૈસા તેમજ હારનો ભાવ ૧ રૂા. ને ૫૦ પૈસા રખાયો છે.