- ઇન્ડિયા ગઠબંધનએ ડિમ્પલ યાદવ,એનડીએ તરફથી ઠાકુર જયવીર સિંહ અને બસપા તરફથી શિવ પ્રસાદ યાદવ મેદાનમાં છે.
લખનૌ, યુપીની ૮ લોક્સભા સીટો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તમામ રાજકીય પક્ષો હવે આગામી તબક્કાના મતદાન માટે પોતપોતાના રાજકીય મોરચે તૈનાત થઈ ગયા છે. યુપીની હાઈપ્રોફાઈલ સીટ પૈકીની એક મૈનપુરીમાં ચૂંટણી પ્રચાર દિવસેને દિવસે વેગ પકડતો જોવા મળી રહ્યો છે. મૈનપુરી લોક્સભા સીટ સમાજવાદી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ૨૮ વર્ષથી પાર્ટી પાસે છે. મુલાયમ સિંહ યાદવ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતાં. તેમના મૃત્યુ બાદ સમાજવાદી પાર્ટીના અયક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે પેટાચૂંટણી લડી અને મોટી જીત નોંધાવી. ડિમ્પલ યાદવ ફરી એકવાર આ સીટ પર ચૂંટણી લડી રહી છે. મૈનપુરી લોક્સભા સીટ હેઠળ ૫ વિધાનસભા મતવિસ્તાર છે જેમાં મૈનપુરી, ભોંગાંવ, કિશ્ર્ની, કરહાલ અને જસવંતનગરનો સમાવેશ થાય છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સપા ૩ સીટો પર અને બીજેપી ૨ સીટો પર જીતી છે.
યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન છે જ્યારે એનડીએમાં ભાજપ, આરએલડી, અપના દળ અને નિષાદ પાર્ટી સામેલ છે. ઇન્ડિયા ગઠબંધનએ ફરી એકવાર ડિમ્પલ યાદવને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે એનડીએ તરફથી ઠાકુર જયવીર સિંહ અને બસપા તરફથી શિવ પ્રસાદ યાદવ મેદાનમાં છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ મુલાયમ સિંહ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. મુલાયમ સિંહ યાદવ ચૂંટણી જીત્યા હતા. તેમને ૫ લાખ ૨૪ હજાર ૯૨૬ મત એટલે કે ૫૩.૭૫ ટકા મત મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર પ્રેમસિંહ શાક્યને ૪ લાખ ૩૦ હજાર ૫૩૭ મત એટલે કે ૫૫.૦૯ ટકા મત મળ્યા.
મૈનપુરી લોક્સભા સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી, જેના માટે વર્ષ ૨૦૨૨માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં મુલાયમ સિંહની પુત્રવધૂ અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનો વિજય થયો હતો. ડિમ્પલ ૨.૮૮ લાખ મતોથી જીતી હતી. તેમને ૬ લાખ ૧૮ હજાર ૧૨૦ વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર રઘુરાજ સિંહ શાક્યને ૩ લાખ ૨૯ હજાર ૬૫૯ વોટ મળ્યા.
ડિમ્પલ યાદવ સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવની પત્ની છે. તે યુપીમાં સેલિબ્રિટી સાંસદ તરીકે પણ ઓળખાય છે. ડિમ્પલનો જન્મ ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં થયો હતો. તેમણે લખનૌ યુનિવસટીમાંથી કોમર્સ ફેકલ્ટીમાં સ્નાતક પૂર્ણ કર્યું. ૨૧ વર્ષની ઉંમરે તેના લગ્ન અખિલેશ યાદવ સાથે થયા. ડિમ્પલ યાદવે પોતાની રાજકીય સફર ૨૦૦૯માં શરૂ કરી હતી. તેઓ ફિરોઝાબાદ લોક્સભા સીટ પરથી રાજ બબ્બર સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ડિમ્પલ યાદવ ૨૦૧૨માં લોક્સભા પેટાચૂંટણી દરમિયાન કન્નૌજ મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૪ માં, તેણી ફરીથી કન્નૌજની સાંસદ તરીકે ચૂંટાઈ. તેણીએ ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી એસપી બીએસપી ગઠબંધનમાંથી લડી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. મુલાયમ સિંહ યાદવના અવસાન બાદ તે ૨૦૨૨ની પેટાચૂંટણીમાં મૈનપુરીથી સાંસદ તરીકે ચૂંટાયા છે.જયવીર સિંહ ઠાકુર ફિરોઝાબાદના કાખરા ગામનો રહેવાસી છે. તેમણે આ ગામમાંથી ગ્રામ્ય પ્રમુખની ચૂંટણી જીતીને રાજકીય સફરની શરૂઆત કરી હતી. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ૨૦૦૨માં મૈનપુરીની ઘિરોર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીતી. આ પછી તેઓ ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ઘિરોરથી વિધાનસભા પહોંચ્યા હતા. જયવીર સિંહે ૨૦૦૩ થી ૨૦૦૬ સુધી યુપી સરકારમાં સ્વતંત્ર પ્રભારી તરીકે મેડિકલ અને આરોગ્ય વિભાગની સંભાળ લીધી હતી. જ્યારે તેઓ બીજી વખત ધારાસભ્ય બન્યા ત્યારે તેમણે માયાવતીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સિંચાઈ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. આ પછી તેઓ ભાજપમાં જોડાયા અને પાર્ટીએ તેમને ૨૦૨૨માં વિધાનસભાની ટિકિટ આપી.હાલમાં તેઓ મૈનપુરી સદર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. હાલમાં તેમની પાસે યોગી આદિત્યનાથ સરકારમાં પ્રવાસન વિભાગની જવાબદારી છે. તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં સપાના ધારાસભ્ય રાજકુમાર ઉર્ફે રાજુ યાદવને સતત બે ટર્મથી હરાવીને આ બેઠક જીતી હતી. હવે સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને હરાવવાની અને નેતાજીના રાજકીય વારસાને આગળ વધારવાની જવાબદારી તેમના ખભા પર રહેશે.
મૈનપુરી લોક્સભા સીટ પર પછાત જાતિઓની બહુમતી છે. આ બેઠક પર મોટાભાગના મતદારો યાદવ સમુદાયના છે. એક અંદાજ મુજબ યાદવ મતદારોની સંખ્યા ૩.૫ લાખ છે. આ સિવાય રાજપૂત મતદારોની સંખ્યા ૧.૫ લાખ અને શાક્ય મતદારોની સંખ્યા ૧.૬ લાખ છે. અહીં બ્રાહ્મણ મતદારોની સંખ્યા ૧.૨ લાખ, જાટવ મતદારો ૧.૪ લાખ અને લોધી રાજપૂત મતદારો એક લાખ છે. મૈનપુરીમાં મુસ્લિમ મતદારો પણ એક લાખની નજીક છે જ્યારે કુર્મી મતદારો પણ એક લાખ છે.