બાલાસિનોર,બાલાસિનોર તાલુકામાં આવેલી દોલતપોરડા ગ્રામ પંચાયતમાં તત્કાલિન તલાટીઓ દ્વારા થયેલ ગેરરિતી બાબતે હાલના સરપંચ મનોજ પટેલ દ્વારા તાલુકા કક્ષાએ લેખિત અરજી કરી હતી. આ અરજી બાબતે તપાસમાં તત્કાલિન તલાટીઓ દ્વારા ગેરરિતી આચરાઈ હોવાનુ સાબિત થયુ હતુ.
બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગ્રામ પંચાયતમાં સને 2018ની સાલમાં ફરજ બજાવતા તલાટી ઉર્મીલા બેલદાર દ્વારા હાથ ઉપર કરેલા ખર્ચ, વધ-ધટ રકમ, ફર્નીચરની ખરીદી, વાઉચર પર ઉપાડેલ રૂપિયા, સહિત રેકર્ડ છેડછાડ કર્યોની હોવાની 25 મુદ્દાની અરજી કરવામાં આવી હતી. આ અરજી બાલાસિનોર તાલુકા પંચાયત દ્વારા ટીમ બનાવી કામોની ચકાસણી કરવામાં આવી હતી. જેનો 490 પાનાનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતે જિલ્લા કક્ષાએથી તાલુકા પંચાયતને લેખિત સુચના આપવામાં આવી હતી કે, સ્પષ્ટ સમજાય તેવો અહેવાલ તૈયાર કરી મોકલવો સાથે અરજદાર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા બાલાસિનોર તાલુકા પંચાયતને પુન: તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા હતા.
બાલાસિનોર તાલુકા પંચાયત દ્વારા ફરીથી 36 મુદ્દાઓ પર અહેવાલ તૈયાર કરી મોકલી આપ્યો હતો. જેમાં તપાસ દરમિયાન 36 મુદ્દાઓમાં તત્કાલિન તલાટી ઉર્મીલા બેલદાર દ્વારા ગંભીર પ્રકારની વહીવટી તેમજ નાણાંકિય અનિયમિતતા તેમજ ફરજ પ્રત્યે બેદરકારી સામે આવતા પુન: થયેલા અહેવાલમાં પણ તત્કાલિન તલાટી ઉર્મીલા બેલદાર દોષિત ઠર્યા છે.