તંત્ર તૈયારીમાં જોતરાયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીમખેડા, પંચમહાલ અને દાહોદ લોકસભા બેઠકની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધિત કરશે

દાહોદ, ગુજરાતમાં લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં 7મી મેને રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મી એપ્રિલ થી 3મે ના સમયગાળા દરમ્યાન દાહોદના લીમખેડા ખાતે પંચમહાલ અને દાહોદની લોકસભા બેઠક માટે ચૂંટણી સભાને સંબોધિત કરી શકે છે. જેના આયોજનના ભાગ રૂપે દાહોદ જીલ્લા ભાજપના નેતાઓ દ્વારા લીમખેડા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. આ બેઠક મા જીલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, સાસંદ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સહિત જીલ્લા ભાજપ સંગઠનના મહાનુભાવો હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આઠ વર્ષ પહેલા 17મી સપ્ટેમ્બર 2016 ના રોજ તેમના 67 માં જન્મદિવસ નિમિત્તે આવ્યા હતા અને હવે આઠ વર્ષ બાદ નરેન્દ્ર મોદી લીમખેડા ની ધરતી પર આવવાના છે. ત્યારે મોદીના આગમનની તૈયારીઓ તેજ કરી દેવામા આવી છે.

દાહોદ લોકસભા બેઠક પર છેલ્લા બે ટર્મ થી ભાજપની જીત થઈ છે, પરંતુ દાહોદ જીલ્લામા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ ઘટતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી ભાજપથી વિખુટા પડેલા મતોને પરત પોતાની તરફ વાળવા ભાજપે આ વખતે પ્રધાનમંત્રીની ચુંટણી સભા લીમખેડા ખાતે રાખવામાં આવી છે.