કડી, ભાજપના નેતા અને લોક્સભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેની અસર હવે લોક્સભા ચૂંટણી પર પણ જોવા મળી રહી છે. જુદી જુદી લોક્સભા બેઠકો પર ભાજપના સમર્થક રહી ચૂકેલો ક્ષત્રિય સમાજ હવે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે. મહેસાણામાં પણ આવો જ ઘાટ ઘડાયો છે
મહેસાણાના કડી તાલુકા પંચાયત ખાતે ભાજપને મોટો ફટકો પડ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે કડી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી મઉજબ, ડાંગરવા સીટના તાલુકા સદસ્ય જયવંતસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે, ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા ક્ષત્રિય સમાજના ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે, મહેસાણા લોક્સભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર દ્વારા કડી તાલુકા પંચાયતના સભ્ય જયવંતસિંહને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર આપવામાં આવ્યો હતો. તો, સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે ક્ષત્રિય અગ્રણી જયવંતસિંહની સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.