અમદાવાદ, છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીને કારણે આગામી દિવસોમાં પાણીની અછત સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં ડેમોનાં પાણીનુ જળસ્તર ચિંતાજનક સ્થિતીએ છે. રાજ્યમાં ૨૩ ડેમોમાં સુકાભઠ બન્યા છે. એટલુ એટલુ જ નહીં, ૬૧ ડેમોની એવી દશા છે જેમાં એક ટકાથી ઓછુ પાણી છે. આ પરિસ્થિતી જોતાં ઉનાળુ પાક વખતે સિંચાઇના પાણીને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.
ઉત્તર ગુજરાતમાં કુલ ૧૫ ડેમોમાં હાલ ૬૬૮.૨૭ એમસીએમ પાણી છે એટલે કે ૩૪.૫૮ ટકા પાણીનો જળસંગ્રહ છે. મય ગુજરાતમાં ૧૭ ડેમોમાં ૧૨૬૭.૯૪ એમસીએમ પાણીનો જથ્થો છે. કુલ મળીને ૫૪.૩૯ ટકા પાણી ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમોમાં ૪૫૮૨.૦૨ એમસીએમ એટલે કે ૫૩.૧૭ ટકા પાણીનો જથ્થો મોજુદ છે. રાજ્યમાં હાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડેમોમાં પાણીની જળસપાટી ઘટી છે. કચ્છમાં ૨૦ ડેમોમાં માત્ર ૩૮.૮૬ ટકા જ પાણી છે. જયારે સૌરાષ્ટ્રમાં ૧૪૧ ડેમોમાં હાલ ૬૬૦.૯૩ એટલે કે ૨૫.૫૩ ટકા જ પાણી છે.
પીવાના પાણી કરતાં ઉનાળુ પાકને લઈને સિંચાઈના પાણીની ખેંચ ઉભી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ખેડા જિલ્લામાં ડેમોમાં ૧૪.૦૩ ટકા, સુરતમાં ૧૪.૭૮ ટકા, દ્વારકામાં ૩.૯૭ ટકા, અમરેલીમાં ૧૮.૩૪ ટકા, બોટાદમાં ૨૨.૯૨ ટકા, સુરેન્દ્રનગરમાં ૨૨.૯૫ ટકા અને જામનગરમાં ૧૮ ટકા જ પાણી ડેમોમાં રહ્યું છે. આ બધાય જીલ્લામાં ડેમોમાં પાણીનો જથ્થો ૨૦ ટકાથી ઓછો રહ્યો છે.
જોકે, નર્મદા ડેમમાં ૪૭૮૯.૬૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ જોતાં ચોમાસાના પ્રારંભ સુધી ય પીવાના પાણીમાં મુશ્કેલી થાય તેવી શક્યતા નહિવત છે. પણ કચ્છ-સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની જળસપાટી ઘટી રહી છે. ચિંતાજનક બાબત તો એ છે કે, ૨૩ ડેમ તો જાણે ક્રિકેટ સ્ટેડિયમમાં પરિવતિત થયા છે. છાંટો ય પાણી રહ્યું નથી. આ ઉપરાંત ૬૧ ડેમોની એવી સ્થિતી છે કે, એક ટકાથી ય ઓછુ પાણી રહ્યુ છે. આ ડેમો ય સુકાભઠ થવાની તૈયારીમાં છે. ટૂંકમાં ર૦૬ ડેમો પૈકી અડધોઅડધ ડેમોના તળીયા દેખાયા છે. આ જોતાં આગામી દિવસોમાં પાણીની અછતના એંધાણ સર્જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.