દાહોદમાં વિવિધ તાલુકાઓમાં મતદાતા લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયા

  • વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા માટે રેલી યોજી સહપરિવાર મતદાન કરવા જાગૃત્તિ સંદેશ અપાયો

દાહોદ, દાહોદ જિલ્લાનાં તમામ મતદારો આ મતદાનમાં અચૂક ભાગ લઇ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે ચૂંટણી પર્વ દેશ કા ગર્વ થીમ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે.

દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં પ્રતાપપુરા, ચમારીયા તેમજ સંજેલી ગામમાં શિક્ષક મિત્રો દ્વારા લોકોને મત આપવા માટે શેરીઓમાં બાઈક રેલી યોજી જાગૃત્તિ સંદેશ આપી તમામ મતદારોને મતદાન અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાંસેટા તેમજ મંડોર ગામ ખાતે પણ અમારું મતદાન – લોકતંત્રનો પ્રાણ, મારો મત-મારું ભવિષ્ય સૂત્ર સાથે બાળકો દ્વારા ગામની શેરીઓમાં રેલી કાઢવામાં આવી હતી. તે સાથે ઘરે – ઘરે જઈને રૂબરૂ મળીને તેમજ ત્યાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં જઈને પણ દરેક લોકો અચૂક મતદાન કરે એ માટેના સંકલ્પ લેવામાં આવ્યા હતા.

આમ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા માટે રેલી યોજી સહપરિવાર મતદાન કરવા જાગૃત્તિ સંદેશ આપવામાં આવ્યા હતા.સ્વીપ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ઠેર-ઠેર ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.