દાહોદમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ જનરલ ઓબઝર્વર મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબઝર્વર્સની તાલીમ યોજાઈ

દાહોદ, દાહોદ જિલ્લામાં આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થાપનના ભાગરૂપે મતદાન દિવસે ફરજ પર નિમણુંક પામેલ અધિકારીઓ પોતાની કામગીરીની સંપૂર્ણતયા જાણકારી મેળવે તેમજ પોતાની ફરજ પ્રત્યે સતર્ક થાય એ હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ યોજાવામાં આવી રહી છે.

દાહોદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ જનરલ ઓબઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબઝર્વર્સની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં નિમણુંક પામેલ તમામ માઈક્રો ઓબઝર્વર્સ માટેની તાલીમ યોજવામાં આવી હતી.માઈક્રો ઓબઝર્વર્સની આ તાલીમ દરમ્યાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રેક્ટિકલ, પેમ્ફલેટ તેમજ પી.પી.ટી. દ્વારા મતદાનના દિવસે માઈક્રો ઓબઝર્વર્સ દ્વારા કરવાની થતી બી. યુ., સી. યુ. તેમજ વીવીપેટની કામગીરીની મહત્વની જાણકારી મામલતદાર શ્રી સમીર પટેલ દ્વારા આપવામાં આવી હતી.

આ તાલીમ દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ તમામ માઈક્રો ઓબઝર્વર્સનો ઉત્સાહ વધારતાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે, એની કામગીરી આપણા માટે રાષ્ટ્રીય કર્તવ્ય છે. જેને આપણે સૌએ ઈલેક્શન કમિશનની ગાઈડ લાઈન મુજબ અનુસરીને કરવાની છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મતદાન દિવસે જો કોઈ ક્રિટિકલ પરિસ્થિતિ જણાય તો તાત્કાલિકપણે જનરલ ઓબઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાનીને રિપોર્ટ કરવાનો રહેશે.

ઉપરાંત જનરલ ઓબઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાનીએ પણ માઈક્રો ઓબઝર્વર્સને સંબોધતાં જણાવ્યું હતું કે, તમામ માઈક્રો ઓબઝર્વર્સએ નાનામાં નાની બાબતોનું ઝીણવટથી નિરીક્ષણ કરીને દરેક પ્રક્રિયાની નોંધ કરવી. મતદાન મથકની અંદર તેમજ તેની આજુબાજુની પ્રાથમિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખી જો જણાય તો તાત્કાલિકપણે જે તે કામગીરી કરવા જણાવવું અથવા આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસર્સનું ધ્યાન દોરવાનું રહેશે.

આ તાલીમ દરમ્યાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પી. પી. ટી. દ્વારા રજૂ કરવામાં આવેલ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે તેમજ જનરલ ઓબઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાનીએ નિહાળી હતી તેમજ માઈક્રો ઓબઝર્વરને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી.આ તાલીમ દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીસુશ્રી હેતલ વસૈયા, મદદનીશ ચુંટણી અધિકારી શ્રીઓ ,મામલતદાર શ્રીઓ તેમજ માઈક્રો ઓબઝર્વર્સ ઉપસ્થિત રહ્યા હતા.