ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨: પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ ’આપ’નો પ્રચાર કરશે


ગાંધીનગર,
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની સૂચી જાહેર કરી દીધી છે.૨૦ નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઠ્ઠાનું નામ પણ સામેલ છે.

ભગવંત માન સાથે જ પાર્ટીએ ગુજરાત ચૂંટણી પ્રચારમાં દિલ્હી સાથે જ પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ બતાવ્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.આ સાથે જ સ્ટાર પ્રચારકોની સૂચીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબથી રાજ્યસભાના સંસદસભ્ય હરભજન સિંઘને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ સ્ટાર પ્રચારકોની સૂચીમાં છે. પાર્ટીના પ્રદેશ અયક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથિરિયા અને યુવરાજસિંહ જાડેજાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જગમલ વાળા, રાજૂ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બેદનિયા, અજીત લોકિલ, રાકેશ હીરપરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.